- ફાડા હેલ્થને આપે છે અનેક ફાયદા
- શાક સાથે ફાડાનું મિશ્રણ બનશે પરફેક્ટ નાસ્તો
- ગરમાગરમ ફાડા ઉપમાનો સ્વાદ બાળકોને આવશે પસંદ
શિયાળામાં ઠંડીના કારણે ગરમાગરમ ભોજનની મજા વધી જાય છે. આ ભોજન સ્વાદિષ્ટ પણ લાગે છે. સ્વાદિષ્ટ વાનગીઓ પ્રમાણમાં થોડી વધારે જ ખવાઈ જતી હોય છે. આ સમયે જો તમે બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને ટેસ્ટી ડિશ બનાવો છો તો પરિવારના સભ્યો ખુશ થઈ જાય છે. જો તમે સવારના નાસ્તાને ટ્વિસ્ટ આપવા માંગો છો તો તમે રવાના ઉપમાને ટ્વિસ્ટ આપી શકો છો. તમે ફાડાની મદદથી અને કેટલાક શાકની મદદથી તેને તૈયાર કરી શકો છો. આ સ્વાદ પણ પરિવારને પસંદ આવે છે. તો કરી લો ફાડા ઉપમાની તૈયારી.
ફાડાની ઉપમા
સામગ્રી
-200 ગ્રામ ઘઉંના ફાડા
-25 ગ્રામ શિંગદાણા
- 1 ચમચી વાટેલું આદુ
-1 ચમચી લીલા વાટેલા મરચાં
-2 ચમચી સુધારેલી કોથમીર
-1/2 વાટકી સુધારેલા ગાજર
-1 મોટી ઝીણી સુધારેલી ડુંગળી
-1 લીંબુ
-2 ચમચી ખાંડ
-મીઠું સ્વાદ અનુસાર
-1/2 ટી સ્પૂન લાલ મરચું
-1/4 ટીસ્પૂન હળદર
-2 ચમચી તેલ વઘાર માટે
-1 ટીસ્પૂન રાઇ
-ચપટી હીંગ
-4-5 પાન મીઠો લીમડો
રીત
સૌપ્રથમ ઘઉંના ફાડાને ધીમા તાપે બદામી રંગના શેકવા. એક તપેલીમાં રાઇ અને તેલનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખીને વઘારો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તેમાં અંદાજે પાંચસો ગ્રામ પાણી નાંખવુ. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ફાડા નાખવા. આ સમયે તેમાં વટાણા, ગાજર, ટામેટા પણ ઉમેરી લો. હવે તેમાં શિંગ શેકી, ફોતરા કાઢી, વાટીને ફાડામાં નાંખો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, આદુ, મરચા, લીંબુ, ખાંડ સ્વાદ અનુસાર નાંખી હલાવી તપેલીને ઢાંકી ફાડાને ધીમા તાપે ચઢવા મૂકો. પાણી બળીને ઉડી જાય અને ફાડા બફાઈ જાય એટલે ઉપર કોથમીર ભભરાવો. આ ઉપમા બાળકો માટે ઘણો જ પૌષ્ટિક છે.