ગુજરાતમાં નવરાત્રિ તહેવારની ઉજવણીને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે. નવરાત્રિમાં આખી રાત ગરબે ઘૂમવાનો લોકો આનંદ લે છે. યુવાનોને મનગમતો તહેવાર નવરાત્રિને હવે ગણતરિના દિવસો બાકી છે. જો કે યુવાનો ગરબાના જુદા-જુદા સ્ટેપ શીખવા અગાઉથી જ કલાસ શરૂ કરી દેતા હોય છે. નવરાત્રિમાં દોઢિયું, રાસ અને ડાકલા જેવા વિવિધ ગરબાના સ્ટેપ પર લોકો આખી રાત રમવાનો આનંદ લેતા હોય છે. જ્યારે ગરબાની એક ખાસ શૈલી મણિયારો રાસ પણ ગુજરાત જ નહીં ભારતભરમાં પ્રચલિત છે.


મણિયારો રાસ, ગુજરાતમાં આ સ્થાનો પર રમાય છે

ગુજરાતમાં જુદા-જુદા સ્થાનો પર પરંપરાગત ગરબા રમવાની પરંપરા આજે પણ ચાલુ છે. રાજ્યમાં જામનગર, ખંભાળિયા, પોરબંદર, બરડા અને ઘેડ પંથક સહિતના સ્થાનો પર નવરાત્રિ તહેવારમાં મણિયારો રાસ રમવામાં આવે છે. મહેર સમાજનો એક પરંપરાગત રાસ એટલે મણિયારો રાસ. જેમાં આ સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રતિબિંબ દેખાય છે. આ રાસ મોટાભાગે પુરુષો દ્વારા રમવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રિમાં ગુજરાતમાં અનેક સ્થાનો પર તલવાર રાસ, મશાલ રાશ, શેરી ગરબા અને માથે ગરબી મૂકી પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરાય છે.

ગરબાના નૃત્યની ખાસ શૈલી, મણિયારો રાસ

મણિયારો રાસ એ ઉત્સાહભર્યા નૃત્યનો શ્રેષ્ઠ પ્રકાર માનવામાં આવે છે. એટલે મણિયારા રાસને વીરરસ પણ કહે છે. આ રાસમાં રાસ ઉત્સાહભર્યા સંગીત અને તાલબદ્ધ પગના થડકારા સાથે 14 જેટલા પુરુષો પૌરાણિક ઢબના પરંપરાગત પહેરવેશમાં અદ્ભૂત નૃત્ય કરે છે. આ રાસમાં ભાગ લેનારા મહેર સમાજના લોકો મોટાભાગે તેમનો પરંપરાગત પહેરવેશ, ચોરણી અને કેડિયું પહેરીને રમે છે. નવરાત્રિ ઉપરાંત હોળી, સાતમ-આઠમ, જેવા તહેવાર અને મહેર સમાજના ધાર્મિક-સામાજિક પ્રસંગોએ પણ આ રાસ રમવામાં આવે છે. આ રાસ બહુ અઘરો છે જેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે તેની ખાસિયત છે. સંસ્કૃતિ, સમાજ અને પરંપરાની આ એક આગવી ઓળખ બન્યો છે મણિયારો રાસ.

  • Follow us on: