- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરતી વખતે કહ્યું કે, ગરીબોનું કલ્યાણ અને દેશનો સર્વાંગી વિકાસ એ જ સરકારનો સિદ્ધાંત રહ્યો છે. દસ વર્ષમાં થયેલા વિકાસના કાર્યોની વિગતો તેમણે આપી
- ટેક્સના માળખામાં કોઇ ફેરફાર ન કરાયો. મતદારોને લલચાવવાના કોઇ પ્રયાસ ન થયા એ ઘટના સરકારનો આત્મવિશ્વાસ છતો કરે છે. સરકારને ભરોસો છે કે, તેમણે જે કામો કર્યા છે એ મતદારોનો વિશ્વાસ જીતવા માટે પૂરતા છે
દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું. નવા સંસદ ભવનમાં આ પહેલું બજેટ હતું. નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યા હતા ત્યારે ઘણા બધા અનુમાનો બાંધવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં આવા સમયમાં મતદારોને રિઝવવા કે લલચાવવાના પ્રયાસો થતાં હોય છે પણ વર્તમાન સરકાર તેવું કરવાથી દૂર રહી છે. સારી વાત છે. અબ કી બાર ચારસો કે પારનો મંત્ર લઇને ચૂંટણીના મેદાનમાં ઝુકાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને સરકારે છેલ્લા દસ વર્ષમાં જે કાર્યો કર્યા છે તેના પર ભરોસો છે. સમય બદલાયો છે. મતદારો અગાઉની સરખામણીમાં ઘણા ડાહ્યા અને હોશિયાર છે. તેઓ દેશના વિકાસને ખુલ્લી આંખે જુવે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના લગભગ એક કલાકના બજેટ ભાષણમાં સરકારે કરેલા કામોની વિગતવાર વાત કરી અને દેશના સર્વાંગી વિકાસ માટે સરકારે શું કર્યું એની રૂપરેખા રજૂ કરી હતી. અંદાજપત્ર વિશે આમ તો એવું કહેવાય છે કે, એ આંકડાની એવી ઇન્દ્રજાળ છે જે સામાન્ય લોકોની સમજમાં નથી આવતી. લોકોને મોટા ભાગે સરકારના બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં રસ હોય છે. આ વખતના વચગાળાના બજેટમાં આવકવેરાના માળખામાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. અલબત્ત, સ્ટાર્ટ અપ્સ માટે કેટલીક રાહતોની જાહેરાત કરવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ચૂંટણી પછી જુલાઇ મહિનામાં રજૂ થનારા બજેટમાં તેઓ વિકાસનો નવો રોડમેપ આપશે. આ વાત પણ એવું પ્રતીત કરાવવાનો જ પ્રયાસ છે કે, નેકસ્ટ બજેટ પણ અમારી સરકાર જ રજૂ કરવાની છે.
વડાપ્રધાન મોદીની કામગીરીના કારણે 25 કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા છે. મહિલાઓ, યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકોનો વિકાસ થયો છે. આ વખતે બજેટ સત્રની શરૂઆત જ નારી વંદનાથી થઇ હતી. બજેટમાં પણ લખપતિ દીદીની વાત નિર્મલા સીતારમણે કરી અને સરકારે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે કરેલી અનામતની જોગવાઇને પણ યાદ દેવડાવી. એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને હવે સરકારે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો નિર્ધાર કર્યો છે. મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે રસીરકણ વધારવાની વાત પણ તેમણે કરી. દેશમાં ઇનકમટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે. એ વાત તો સર્વવિદિત છે કે, દેશમાં જે કંઇ વિકાસ કાર્યો થાય છે એ લોકો પાસેથી ટેક્સ પેટે મળતા નાણાંમાંથી જ થાય છે. નિર્મલા સીતારમણે કરદાતાઓનો આભાર માન્યો અને કહ્યું કે, દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ખેતી, ડેરી, મત્સ્યોદ્યોગ, ટ્રાન્સપોર્ટેસન સહિતના ક્ષેત્રો માટે તેમણે સરકારની યોજનાઓની વાત કરી. કોવિડ ઉપરાંત આતંરરાષ્ટ્રીય સમીકરણોમાં જે ફેરફારો થયા છે એના કારણે દુનિયાના અનેક દેશો સંકટોનો સામનો કરી રહ્યા છે, એવા સંજોગોમાં પણ ભારતે વિકાસ તરફ મક્કમ આગેકૂચ ચાલુ રાખી છે.
અગાઉના સમયમાં રેલવેનું બજેટ અલગ રહેતું હતું. વર્ષ 2016માં રેલવે બજેટનો સમાવેશ પણ જનરલ બજેટમાં કરી લેવામાં આવ્યો હતો. 2017માં સંયુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રેલવેની યોજનાઓ વિશે કહ્યું કે, માલવહન માટેના કોરિડોરથી માંડીને લોકોને પણ સરળતા રહે એ માટેની યોજનાઓ સરકારે બનાવી છે. રેલવેના 40 હજાર સામાન્ય ડબાને વંદે ભારત કક્ષાના બનાવવામાં આવશે. ટાયર ટુ અને ટાયર થ્રી કક્ષાના શહેરોને હવે હવાઇ માર્ગ સાથે જોડવામાં આવશે. રામ મંદિર અને ધાર્મિક ટૂરિઝમનો ઉલ્લેખ પણ તેમણે કર્યો. બજેટ વખત શું સસ્તુ થશે અને શું મોંઘું થથે તેની વાતો પણ બહુ થતી હોય છે. આ વખત એવું ખાસ કંઇ નથી. હજુ બજેટની નાની નાની વિગતો ધીમે ધીમે બહાર આવશે પછી બજેટની બારીકાઇઓની જાણકારી મળશે. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જય જવાન, જય કિસાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનનો મંત્ર આપ્યો છે. મોદીના આ વિઝનને ધ્યાનમાં રાખીને સરકારે રિસર્ચને વેગ આપવા માટે પણ યોજના બનાવી છે. છેલ્લા દસ વર્ષમાં સરકારે સાત આઇઆઇટી, 16 આઇઆઇઆઇટી, ત્રણ હજાર આઇટીઆઇ, સાત આઇઆઇએમ, 15 એઇમ્સ અને 390 યુનિવર્સિટી બનાવી છે. ડોકટર બનવા માંગતા યુવાનોનું સપનું પૂરું કરવા માટે પણ સરકાર સજાગ છે. ઓવરઓલ વાત કરીએ તો સરકાર લોકો માટે શું કરવાની છે એના કરતા આ વખતે સરકારે લોકો માટે શું કર્યું છે એની વાત વધુ કરવામાં આવી છે. નિર્મલા સીતારમણની દરેક મહત્ત્વની વાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સાંસદો પાટલી થપથપાવીને જાહેરાતોને વધાવતા રહ્યા હતા.
આ બજેટ વચગાળાનું હતું એટલે આમ પણ એમાં એક હદથી વધુ કંઇ નહીં હોય એવી બધાને ખબર જ હતી. જો કે, આ બજેટથી સરકારનું વિકાસનું વિઝન તો ક્લિયર થયું જ છે. ખોટી વાતો, ખોટી લાલચો અને ખોટા દાવાઓથી દૂર રહી સરકારે વિકાસને જ આગળ ધર્યો છે. હવે દેશમાં ધીમે ધીમે ચૂંટણીનું વાતાવરણ જામવાનું છે. બજેટમાં દેશમાં યોજાયેલા જી-20 અધિવેશન અને દુનિયામાં ભારતના વધતા દબદબાની આછેરી વાત કરવામાં આવી. એ વાતથી તો કોઇ ઇનકાર કરી શકે એમ નથી કે, આજના સમયમાં દુનિયાનો કોઇ દેશ ભારતની અવગણના કરી શકે એમ નથી. અમેરિકા સહિત તમામ દેશોની નજર ભારત પર મંડાયેલી છે. આજે આપણો દેશ દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. આવનારા થોડા વર્ષોમાં ભારત જાપાન અને જર્મનીને પણ પાછળ રાખીને અમેરિકા તથા ચીન પછી ત્રીજા નંબરની ઇકોનોમી બની જવાનું છે. બ્રિટન સહિત અનેક દેશો ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભારતના વજૂદે દુનિયામાં નવો મુકામ હાંસલ કર્યો છે. ભારત હવે કોઇથી ડરતું નથી કે કોઇની શરમ ભરતું નથી. અમેરિકા મિત્ર દેશ છે પણ ભારત તેને આંખ મીંચીને ફોલો કરતું નથી. આપણા દેશે અમેરિકાના દુશ્મન રશિયા અને ઇરાન સાથે પણ સંબંધો જાળવીને એવો મેસેજ આપ્યો છે કે, અમે તટસ્થ છીએ અને કોઇના હાથા બનતા નથી. ભારત સાથે દુનિયાના દેશો વેપાર વધારી રહ્યા છે ત્યારે દુનિયાની નજર પણ ભારતના બજેટ પર રહે છે. ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેવા કેવા પગલાંઓ ભરે છે એ પણ દુનિયા નિહાળી રહી છે. વચગાળાના બજેટમાં જે બાકી રહ્યું છે એ જુલાઇ મહિનામાં રજૂ થનારા બજેટમાં જોવા મળે એવી પૂરી શક્યતાઓ રહે છે. દેશ હવે ચૂંટણીના રંગે રંગાવાનો છે, ભારતીય જનતા પક્ષે તો ચૂંટણીની તૈયારીઓ ક્યારનીયે શરૂ કરી દીધી છે. બજેટમાં પણ એ જ વાત દોહરાવવામાં આવી હતી કે, સરકાર સબ કા સાથ અને સબ કા વિકાસમાં જ માને છે!