• રશિયાએ અમેરિકાના પત્રકાર ઇવાન ગેર્શકોવિચને એક વર્ષથી કેદ કર્યો છે. રશિયાનો જાસૂસ વાદિમ ક્રાસિકોવ જર્મનીની જેલમાં બંધ છે. પુટિને કહ્યું છે કે, અમેરિકાને જો પોતાનો પત્રકાર જોઇતો હોય તો પહેલા અમારા જાસૂસને છોડો!
  • રશિયાના જાસૂસ વાદિમ ક્રાસિકોવે જર્મનીના બર્લિનમાં ચેચન કમાન્ડર જેલિમખાન ખાનગોશવિલિની હત્યા કરી હતી. વિગ પહેરીને સાઇકલ પર હત્યા કરવા આવતા વાદિમના નામે અનેક કારનામા ચડેલા છે. પુટિન તેને ખરો દેશપ્રેમી કહે છે!

જર્મનીના બર્લિનમાં તારીખ 23મી ઓગસ્ટ 2019ના રોજ થ્રિલર ફિલ્મને ટક્કર મારે એવી ઘટના બની હતી. બર્લિનના ક્લેનર ટિયરગાર્ટન પાર્કમાં ચેચન કમાન્ડર જેલિમખાન ખાનગોશવિલિ પસાર થઇ રહ્યો હતો. એક માણસ સાયકલ પર આવ્યો. જેલિમખાનની સાવ નજીક આવીને તેણે સાયલન્સર લગાડેલી પિસ્ટલથી જેલિમખાન પર ધડાધડ ગોળીઓ છોડી. જેલિમખાનનું મોત થયું. હત્યા કરનારો માણસ આરામથી ચાલ્યો ગયો. જર્મનીની સંસદ નજીક આવેલી નદી સ્પ્રીમાં તેણે પોતાની ગ્લોક-26 પિસ્ટલ અને વિગ ફેંકી દીધી. જર્મન પોલીસ તરત જ કામે લાગી ગઇ. પોલીસે જેલિમખાનના હત્યારાને થોડા જ સમયમાં પકડી લીધો. જર્મન પોલીસ અને સરકાર ત્યારે ચોંકી ગઇ જ્યારે એને ખબર પડી કે, જેણે હત્યા કરી હતી એ બીજો કોઇ નહીં પણ રશિયન સિક્યોરિટી સર્વિસ એફએસબીનો જાસૂસ વાદિમ ક્રોસિકોવ છે! જર્મનીમાં વાદિમ સામે અદાલતમાં હત્યાનો કેસ ચાલ્યો. રશિયન સરકારના ઇશારે વાદિમે રશિયાના દુશ્મન અને ચેચન રિપબ્લિકના પ્લાટૂન કમાન્ડર જેલિમખાનની હત્યા કરી હતી એવું સાબિત થયું. વાદિમ ખોટા નામે જર્મની પહોંચ્યો હતો. મેળ પડ્યો કે તરત જ તેણે પોતાનું મિશન પાર પાડ્યું હતું. વાદિમને તો જર્મનીથી ભાગી જવું હતું પણ જર્મન પોલીસે તેને ઝડપી લીધો. જર્મનીની અદાલતે વાદિમ ક્રોસિકોવને આજીવન કેદની સજા ફરમાવી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને વાદિમ વિશે કહ્યું કે, વાદિમ દેશપ્રેમી છે, અમે તેને ગમે તેમ કરીને છોડાવી લેશું. 2013માં રશિયાના માસ્કોમાં એક રેસ્ટોરન્ટ માલિકની હત્યા થઇ હતી. એમાં પણ હત્યારો વિગ પહેરીને સાઇકલ પર આવ્યો હતો અને ગોળી મારીને નાસી છૂટ્યો હતો. એ પણ વાદિમ ક્રોસિકોવ જ હતો. રેસ્ટોરન્ટનો માલિક પુટિનના કેટલાંક સિક્રેટસ જાણી ગયો હતો એટલે વાદિમે તેને ખતમ કરી નાખ્યો હતો. સેઇમ મોડેસ ઓપરેન્ડીથી વાદિમે જર્મનીમાં ચેચન કમાન્ડર જેલિમખાનની હત્યા કરી હતી.

હવે એક બીજી ઘટના. રશિયામાં અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ માટે ઇવાન ગેર્શકોવિચ કામ કરતો હતો. ઇવાન યહૂદી છે અને જર્નાલિસ્ટ તરીકે રશિયાને કવર કરવા માટે મોસ્કો ગયો હતો. તારીખ 29મી માર્ચ 2023ના રોજ રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. ઇવાન સામે એવો આરોપ મૂકાયો કે, તે અમેરિકા માટે રશિયાની જાસૂસી કરતો હતો. ઇવાનને તેની કારનો ડ્રાઇવર ઇવાન જ્યાં રહેતો હતો ત્યાં ઉતારીને ગયો એ પછી તેને પકડી લેવાયો હતો. તેનો ફોન બંધ કરી દેવાયો. અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલની ઓફિસમાં હોબાળો મચી ગયો કે, આખરે ઇવાન ક્યાં ગયો? કલાકો પછી રશિયાએ કહ્યું કે, ઇવાનની અમે જાસૂસીના કેસમાં ધરપકડ કરી છે. તેની પાસેથી અમને રશિયાની જાસૂસીના પુરાવા મળ્યા છે. અખબારે કહ્યું કે, એ તો રિપોર્ટિંગ કરતો હતો. એ જાસૂસ નથી પણ જર્નાલિસ્ટ છે. રશિયાએ કહ્યું, એ અમે કંઇ ન જાણીએ. ઘણા જાસૂસો પત્રકારના સ્વાંગમાં જાસૂસી કરતા પકડાયા છે, ઇવાન પણ તે પૈકીનો જ એક છે. ઇવાનની એક વર્ષથી મોસ્કોની જેલમાં છે. હવે રશિયાની સરકારે અમેરિકાને એવું કહ્યું કે, તમારે ઇવાન જોઇએ છે? તો જર્મનીમાં કેદ અમારા જાસૂસ વાદિમ ક્રોસિકોવને છોડી દો. તમે વાદિમને આપો અને ઇવાનને સોંપી દેશું. માથા સાટે માથું.

રશિયાએ ઇવાનની જેમ બીજા ઘણા અમેરિકનોને સાચા કે ખોટા ગુનામાં કેદ કરી રાખ્યા છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન સારી રીતે જાણે છે કે, અમેરિકન સિટિઝનને છોડાવવા માટે અમેરિકાની સરકાર કંઇ પણ કરશે. પોતાના માણસોને છોડાવવા માટે આ બધા અમેરિકનો કામ લાગશે. અમેરિકાના પત્રકારોનું અત્યારે બાઇડેન સરકાર પર જબરજસ્ત પ્રેશર છે કે, તમે ગમે તેમ કરીને રશિયાની ચુંગાલમાંથી ઇવાનને છોડાવો. જર્મનીની સરકાર બાઇડેનની વાત માને એમ છે. અત્યારે એ નેગોશિએશન ચાલી રહ્યા છે કે, બંનેની અદલાબદલી કેવી રીતે કરવી. રશિયાના પ્રેસિડેન્ટ પુટિન એવું સાબિત કરવા મથે છે કે, મારા કે રશિયા માટે મિશન પાર પાડવા ગયેલા એજન્ટ્સને હું ગમે એમ કરીને પાછા લાવીશ. પુટિનના આ ભરોસોના કારણે જ રશિયન એજન્ટસ જુદા જુદા દેશોમાં જઇને દુશ્મનોનું કામ તમામ કરી આવે છે.

રશિયાએ પોતાના જાસૂસોને જ છોડાવ્યા છે એવું નથી, રશિયન માફિયાને પણ પુટિન છોડાવી લાવ્યા છે. મર્ચન્ટ ઓફ ડેથ તરીકે આખી દુનિયામાં જાણીતા રશિયાના હથિયાર ડીલર વિકટર બ્રાઉટને અમેરિકાએ ઝડપી લીધો હતો. રશિયાએ ડ્રગ્સના કેસમાં અમેરિકાની બાસ્કેટ બોલની સ્ટાર પ્લેટર બ્રિટની ગ્રિનરની ધરપકડ કરી હતી. બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી બ્રિટની ગ્રિનરને રશિયાની અદાલતે નવ વર્ષની સજા ફટકારી હતી. રશિયાએ અમેરિકાને કહ્યું કે, તમારે તમારી ખેલાડી જોઇતી હોય તો વિકટર બ્રાઉટને છોડવો પડશે. રશિયાના ખૂંખાર વ્યક્તિ વિકટરને અમેરિકામાં પચીસ વર્ષની સજા થઇ હતી. પોતાની પ્લેયરને છોડાવવા માટે અમેરિકા વિકટરને છોડવા તૈયાર થઇ ગયું હતું. અમેરિકાથી વિકટરને લઇને એક વિશેષ વિમાન અબુધાબી પહોંચ્યું હતું. બીજી તરફ રશિયાથી વિશેષ વિમાન દ્વારા બ્રિટની ગ્રિનરને પણ અબુધાબી લાવવામાં આવી હતી. અબુધાબીમાં બંને કેદીઓની અદલાબદલી થઇ હતી. આ ઘટનાની નોંધ આખી દુનિયાએ લીધી હતી. એક તરફ અમેરિકાના વખાણ થતા હતા કે, પોતાના નાગરિક માટે અમેરિકા કોઇ પણ હદ સુધી જઇ શકે છે. અમેરિકાનો કોઇ નાગરિક જો બીજા દેશમાં મરે તો અમેરિકાની નામોશી થાય. અમેરિકન સરકારે પોતાના લોકોને જવાબ આપવો પડે. માત્ર રશિયા જ નહીં, ઇરાન અને નોર્થ કોરિયા સહિત અમેરિકાના અનેક દુશ્મન દેશોએ પોતાના લોકોને છોડાવવા માટે અમેરિકનોનો ઉપયોગ કર્યો છે.

અમેરિકાના કેટલાંક લોકો અને ખાસ તો સિક્યોરિટી એજન્સીઓ અમેરિકા જે રીતે ગુનેગારોને સોંપી દે છે એનાથી અંદરખાને નારાજ પણ છે. તેઓનું કહેવું છે કે, અમે વર્ષોની મહેનત બાદ જીવના જોખમે ગુનેગારને ટ્રેસ કરીને પકડી લાવીએ છીએ અને બીજા દેશનો લોકો આસાનીથી તેને છોડાવી જાય છે. અમેરિકાની સરકાર એવું કહે છે કે, અમારા માટે ખુંખાર ક્રિમિનલ કરતા અમારા નાગરિકની કિંમત વધુ છે. અમેરિકાની સરકાર તો ત્યાં સુધીની વાતો કરતી આવી છે કે, અમારા એક નાગરિક માટે અમે યુદ્ધ છેડવા સુધીના પગલાં ભરી શકીએ છીએ. પુટિન અત્યારે અમેરિકા સામે કંઇ પણ કરતા અચકાય એમ નથી. એને ખબર જ છે કે, ઇવાનના બદલામાં અમેરિકા વાદિમને છોડવાનું જ છે. રશિયા અને યૂક્રેન યુદ્ધ બાદ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન અમેરિકા સામે લાલઘૂમ છે. યુદ્ધને બે વર્ષ અને માથે એક મહિના કરતા પણ વધુ સમય થઇ ગયો છે. યૂક્રેન રશિયા સામે ટકી રહ્યું છે. એ વાત તો આખી દુનિયા જાણે છે કે, યૂક્રેન તો ક્યારનુંયે ખતમ થઇ ગયું છે, હવે તો યૂક્રેન વતી અમેરિકા જ રશિયા સામે લડી રહ્યું છે. આ દરમિયાનમાં ઇવાન અને વાદિમનો કિસ્સો આખી દુનિયામાં ગાજી રહ્યો છે. અમેરિકા રશિયાની ઓફર પર વિચાર કરી રહ્યું છે અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન મૂછમાં હસી રહ્યા છે! 

  • Follow us on: