અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય હસમુખ પટેલ સામે પક્ષના જ કાર્યકરો અને દાવેદારોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે, ટિકિટ ફાળવણીમાં સક્ષમ ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે અને પક્ષના નીતિ-નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લેવાયા છે.


'સારા નહીં, મારા'ના મંત્રથી નારાજગી

અમરાઈવાડી ભાજપમાં અત્યારે એક જ ચર્ચા છે કે, ધારાસભ્યએ ‘સારા’ (કામ કરનારા) ઉમેદવારોને બદલે ‘મારા’ (પોતાના નજીકના) લોકોને ટિકિટ આપી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, જે લોકો વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડે છે, તેમને બાકાત રાખીને માત્ર વફાદારોને જ રેવડી વહેંચવામાં આવી છે. આ ‘ભાઈ-ભત્રીજાવાદ’ને કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




ટિકિટ માટે ‘વહીવટ’ થયો હોવાનો ધડાકો

આ વિવાદમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ટિકિટ માટે આર્થિક વહીવટ થયો હોવાના આક્ષેપો થયા છે. અમરાઈવાડી ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં થયેલી વાતચીતના સ્ક્રીન શોટ્સ (Screenshots) સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વાયરલ ચેટમાં ટિકિટના સોદાબાજી અને વહીવટ અંગેના ગંભીર ઉલ્લેખો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેણે ભાજપની શિસ્તબદ્ધ છબી સામે સવાલો ઉભા કર્યા છે.




ચૂંટણી ટાણે ભાજપમાં જૂથવાદ વકર્યો

ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જ અમરાઈવાડીમાં સર્જાયેલો આ કકળાટ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. હાઈકમાન્ડ સુધી આ ફરિયાદ પહોંચાડવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો આ વિખવાદ જલ્દી નહીં શમે તો તેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. હાલ તો વાયરલ થયેલા સ્ક્રીન શોટ્સ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: 'લોકશાહી બચાવો'ના નારા સાથે થરાદ કોંગ્રેસના ધરણાં, ભાજપ પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ


  • Follow us on: