બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણી અદાવતની ચરમસીમા જોવા મળી રહી છે. અહીંના પાતળીયા દૂધ મંડળીના સંચાલકોએ રાજકીય દ્વેષ રાખીને કોસા અને રાજીપુરા ગામના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દેતા ભારે હોબાળો મચ્યો છે. અમને વોટ નથી આપ્યા તેવા ક્ષુલ્લક કારણોસર પશુપાલકોની મહેનત પર પાણી ફેરવવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પાતળીયા મંડળી સાથે જોડાયેલા કેટલાક હોદ્દેદારો કે તેમના સમર્થકોની હાર થઈ હોવાનું મનાય છે. આ હારની અદાવત રાખીને કોસા અને રાજીપુરા ગામના પશુપાલકો જ્યારે મંડળીએ દૂધ ભરાવવા પહોંચ્યા, ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેવામાં આવી હતી. મંડળીના સત્તાધીશોએ આક્ષેપ કર્યો કે આ ગામના લોકોએ તેમને મત આપ્યા નથી, તેથી હવે તેમનું દૂધ સ્વીકારવામાં આવશે નહીં.
ભાજપને મત મળ્યા હોવા છતાં દ્વેષ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ભાજપને 60% થી વધુ મત મળ્યા હોવા છતાં, મંડળીના સંચાલકો દ્વારા વ્યક્તિગત દ્વેષ રાખવામાં આવી રહ્યો છે. નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યો પ્રત્યેનો આક્રોશ નિર્દોષ પશુપાલકો પર ઉતારવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે, "ચૂંટણીમાં મત કોને આપવો એ અમારો અધિકાર છે, પરંતુ તેના કારણે અમારી રોજીરોટી છીનવી લેવી એ ક્યાંનો ન્યાય છે?
મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યા પશુપાલકો
દૂધ જેવી નાશવંત વસ્તુનો સ્વીકાર ન થતા, મધ્યરાત્રિએ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હજારો લિટર દૂધ બગડી જવાની ભીતિ વચ્ચે, રાજીપુરા અને કોસા ગામના લોકો દૂધના કેન ભરીને રાત્રે જ પોલીસ મથકે પહોંચ્યા હતા. પશુપાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ મામલે મધ્યસ્થી કરવામાં આવે અને તાત્કાલિક દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગરીબ પરિવારોને આર્થિક નુકસાન ન થાય.
આ પણ વાંચો - Gujarat Local Body Election Results 2026: આણંદમાં લોહીયાળ વિજયોત્સવ, કોંગ્રેસના વિજય સરઘસ પર હરીફ જૂથનો હુમલો, 3 લોહીલુહાણ