સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે જ એક ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) માટે દિલ્હીથી હવાલા મારફતે લાખો રૂપિયાનું બ્લેક ફંડિંગ આવતું હોવાનો ઘટસ્ફોટ થતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. સુરત પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


હવાલા નેટવર્ક દ્વારા બ્લેક મનીનું ટ્રાન્સફર

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતની સ્થાનિક ચૂંટણીઓમાં ઉપયોગ કરવા માટે દિલ્હીથી હવાલા મારફતે લાખોનું ગુપ્ત ફંડ મોકલવામાં આવતું હતું. આક્ષેપ છે કે, હિમાંશુ પાહુજા નામની વ્યક્તિ દ્વારા દર મહિને આ નાણાં મોકલવામાં આવતા હતા. બ્લેક ફંડિંગની આ રકમ સુરતમાં બેઠેલા આકાશ મિશ્રા નામના શખ્સને પહોંચાડવામાં આવતી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સુરત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હી-સુરતની ખતરનાક 'સિન્ડિકેટ'નો ખુલાસો

તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક પાછળ દિલ્હીના હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારીની એક આખી સિન્ડિકેટ કામ કરી રહી છે. હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે અને હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે, તે આ ફંડિંગનો મુખ્ય સ્ત્રોત હોવાનો આક્ષેપ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને આકાશ મિશ્રા આ હવાલા ઓપરેટ કરતો હોવાની વિગતો પણ પોલીસને મળી છે.

મોટા નેતાઓ સુધી પહોંચશે તપાસનો રેલો

આ મામલે હવે માત્ર પોલીસ જ નહીં પરંતુ ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવાલા દ્વારા નાણાં મેળવનારા સુરતના અનેક સ્થાનિક નેતાઓની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ તપાસમાં સુરતના અનેક 'મોટા માથાઓ'ના નામ બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. તપાસનો રેલો લાંબો ચાલે તેમ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો પણ થઈ શકે છે.




CCTV ફૂટેજ વાયરલ થતા પુરાવા મળ્યા

આ હવાલા વ્યવહારના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું મનાય છે, જેમાં નાણાંની લેતીદેતીના દ્રશ્યો કેદ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો અને ડિજિટલ પુરાવાઓના આધારે પોલીસ હવે હિમાંશુ પાહુજા અને આકાશ મિશ્રા વચ્ચેના કનેક્શનને મજબૂત રીતે સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: ચૂંટણી પહેલા રાજકોટ પોલીસનું 'મેગા ઓપરેશન', 15 રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, 8 ચેક પોસ્ટ પર કડક નાકાબંધી


  • Follow us on: