- યોગ્ય રીતે નહીં પલળે તો બનશે વાનગી
- 1 કપ સાબુદાણા સામે પોણો કપ પાણી લો
- નાના અને મોટા સાબુદાણાને અલગ રીતે પલાળો
હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અનેક ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બને છે. ફરાળી વાનગીમાં ખાસ કરીને બટાકા અને સાબુદાણાનો ઉપયોગ કરાય છે. જો તમે સાબુદાણાની વાનગી બનાવો છો તો તે માટે સાબુદાણાને યોગ્ય રીતે પલાળવાનું જરૂરી બને છે. જો તે સારી રીતે નહીં પલળે તો તે ચીકણા રહેશે અને તમારું ભોજન બગડશે. તો જાણો કઈ રીતે પલાળી શકાય છે સાબુદાણા.
ક્યારેય એકસાથે પાણી ન નાંખો
સાબુદાણા પલાળતી સમયે એકસાથે વધારે પાણી નાંખશો તો તે ચીકણા બની જશે. સાબુદાણા પલાળતી વખતે એકસાથે વધારે પાણી નાંખવાની ભૂલ ન કરો. પહેલા અંદાજથી થોડું પાણી ઉમેરો અને પછી જરૂર લાગે તો પાછળથી થોડું પાણી ઉમેરી શકો.
કેટલું પાણી લેવું
1 કપ સાબુદાણા પલાળવા માટે પોણો કપ પાણી પૂરતું છે. આ માપથી સાબુદાણા પલાળશો તો પરફેક્ટ સાબુદાણા પલળશે. મોટી સાઈઝના સાબુદાણા હોય તો તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. જો સાબુદાણાની સાઈઝ નાની હોય તો તેને 30 મિનિટ સુધી પલાળી રાખવાથી તે પલળી જશે. પછી તેનું પાણી નીતારીને તેને 2-3 કલાક સુધી મૂકી રાખો અને પછી જ તેને ઉપયોગમાં લો.
સૂકા લાગે તો શું કરવું
જો સાબુદાણા પલળી ગયા બાદ પણ સૂકા લાગે તો તેના પર 1 મોટી ચમચી પાણી છાંટી દેવું અને સાબુદાણામાં બરાબર મિક્સ કરી દેવું. આમ કરવાથી સાબુદાણા સોફ્ટ થઈ જશે.
આ રીતે પણ પલાળી શકાય છે
જ્યારે તમે સાબુદાણા પલાળો ત્યારે તેમાં પાણીનો છંટકાવ કરો. જો 1 વાટકી સાબુદાણા લીધા છે તો પહેલીવારમાં તમે તેના પર અડધી વાટકી પાણી લઈને છંટકાવ કરો. આ પછી અડધો પોણો કલાક તેને એમ જ રહેવા દો. આ પછી ફરીથી જરૂર જણાય તો ફરી થોડું પાણી છાંટો. આમ કરવાથી સાબુદાણા સારી રીતે પલળશે. જ્યારે તમે તેની વાનગી બનાવશો ત્યારે તેના દાણા છૂટ્ટા રહેશે.
આ રીતે સાબુદાણા કરો ચેક
જ્યારે તમે સાબુદાણા બનાવો છો ત્યારે તમને શંકા રહે છે કે તે બરોબર પલળ્યા છે કે નહીં. આ ચેક કરવા માટે તમે તેનો એક દાણો 2 આંગળીમાં લો અને નખથી તેને તોડો. જો તે સરળતાથી તૂટી જાય છે તો તમારા સાબુદાણા બરોબર પલળી ગયા છે તેમ કહેવાશે.