• વિશ્વ કપમાં સૌથી વધુ 26 મેચ રમનાર ખેલાડી બની જશે મેસ્સી
  • FIFA વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ સૌથી વધુ 17 મેચ જીતવાની તક
  • બે વખત ગોલ્ડન બોલ એવોર્ડ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની શકે

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે કતારના લુસેલ સ્ટેડિયમમાં યોજાશે. દુનિયાની નજર આ મેચ પર ટકેલી છે. જ્યાં આર્જેન્ટિના આ મેચ જીતીને 36 વર્ષના દુષ્કાળને ખતમ કરવા માંગશે ત્યાં ફ્રાન્સ ત્રીજા વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની ઈચ્છા સાથે મેદાનમાં ઉતરશે.

મેસ્સી સામે ફ્રાન્સની મજબૂત ટીમ

ડિસેમ્બર 18, રવિવાર આજની તારીખમાં એક નવું પ્રકરણ ઇતિહાસમાં નોંધાશે. આજનો દિવસ આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના સપનાનો દિવસ છે. એ દિવસ જેના માટે આ ફૂટબોલરે જાહેર અને ખાનગી જીવનમાં ઘણું સહન કર્યું. મેસ્સી અને તેની સૌથી મોટી ઈચ્છા વચ્ચે એક કઠિન અવરોધ પણ છે જે તેના સપનાને એક ક્ષણમાં ધૂળમાં ફેરવી શકે છે.


કિલિયન એમબાપ્પે Vs લિયોનેલ મેસ્સી

મેસ્સીને ટક્કર આપી રહ્યો છે ફ્રાંસનો 23 વર્ષનો કિલિયન એમબાપ્પે. મેસ્સીના ચાહકો ગમે તે કહે પરંતુ એમ્બાપ્પેને અવગણવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. ભલે ગમે તેટલું મોટું નામ અને મોટા રેકોર્ડ હોય મેસ્સીના, આ ખેલાડીએ માત્ર 19 વર્ષની વયે એવી સિદ્ધિ હાંસલ કરી હતી, જેની યાદો જીવનભર લોકોના મનમાં કોતરાયેલી રહેશે.

આર્જેન્ટિનાની નજર 36 વર્ષ બાદ ટ્રોફી જીતવા પર

આર્જેન્ટિનાની ટીમ જ્યારે ફ્રાન્સ સામે ટાઈટલ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર 36 વર્ષ બાદ ટ્રોફી જીતવા પર હશે. આર્જેન્ટિનાએ આ પહેલા 1978 અને 1986માં બે વખત FIFA વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પાસે પણ મેદાન છોડતા પહેલા ઘણા રેકોર્ડ બનાવવાની તક હશે. મેસ્સી જે રીતે પોતાની ટીમને ફાઇનલમાં લઈ ગયો છે, તેની સરખામણી મહાન ફૂટબોલર ડિએગો મેરાડોના સાથે કરવામાં આવી રહી છે.


મેસ્સીએ ટૂર્નામેન્ટમાં 5 ગોલ કર્યા છે

લિયોનેલ મેસીએ વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 5 ગોલ કર્યા છે અને ટીમને 3 ગોલ કરવામાં મદદ કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટને FIFA વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 16 મેચ જીતી છે. તે વર્લ્ડ રેકોર્ડ ધારક જર્મન ખેલાડી મિરોસ્લાવ ક્લોઝની 17 જીતથી માત્ર એક જીતી પાછળ છે. આ સિવાય મેસ્સી ફ્રાન્સ સામેની ફાઈનલ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ વિશ્વ કપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. તે જર્મન ખેલાડી લોથર મેથૌસના 25 મેચના રેકોર્ડને પાછળ છોડી દેશે. જો મેસ્સીને આ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડન બોલનો એવોર્ડ મળશે તો તે બે વખત આ ખિતાબ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની જશે. મેસ્સીએ આ પહેલા 2014માં ગોલ્ડ બોલનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય સ્ટાર ફૂટબોલર પાસે પણ ગોલ્ડન બૂટ જીતવાની મોટી તક છે.

એમ્બાપ્પે ફરી ઈતિહાસ રચશે?

બીજી તરફ ફ્રેંચ સ્ટાર કિલિયન એમ્બાપ્પેની વાત કરીએ તો 19 વર્ષની ઉંમરે તેણે 2018માં ફ્રાંસને બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીતાડ્યું હતું. તે 1958માં 17 વર્ષીય પેલે બાદ ફાઇનલમાં ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

  • Follow us on: