- ઇંગ્લેન્ડને હરાવ્યા પછી સ્ટેડિયમમાં લોકોએ ગાયું વંદે માતરમ
- વર્લ્ડકપમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
- લખનૌમાં અદભૂત લાઇટ શોએ ફેન્સને મંત્રમુગ્ધ કર્યા
વર્લ્ડકપ 2023ની 29મી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતે સતત છઠ્ઠી નોંધાવી હતી. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીના તેમના પ્રારંભિક સ્પેલ દરમિયાન અસાધારણ પ્રદર્શનને કારણે ભારતને આ જીત મળી હતી. ટોસ હારીને પ્રથન બેટિંગ કરતા ભારતીય ટીમે 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
હજારો પ્રેક્ષકોએ એક સાથે ગાયું વંદે માતરમ્
લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ જોવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા હતા. મેચ બાદ સ્ટેડિયમમાં લાઈટ શો દરમિયાન આ હજારો પ્રેક્ષકોએ એક સાથે વંદે માતરમ્ ગાયું હતું. આ દ્રશ્ય જોઈ લોકો ભાવુક થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ હાર સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું હતું. જ્યારે ભારતને સેમિફાઇનલમાં સ્થાન બનાવવા માટે એક જીતની જરૂર છે.
ભારતીય ફાસ્ટ બોલરની ઘાતક બોલિંગ
મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગને કારણે ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે લો સ્કોરિંગ મેચમાં 100 રનથી જીત મેળવી હતી. લખનૌની ધીમી પીચ પર ભારતે પ્રથમ બેટિંગ કરતા 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 129 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતની જીતના હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ હતા. આ બંનેએ લો સ્કોરિંગ મેચમાં ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. શમીએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે ત્રણ ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડનો ટોપ ઓર્ડર ધ્વસ્ત
ભારતે આપેલા 230 રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડે પ્રથમ બે ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 17 રન બનાવી લીધા હતા. ત્યારપછી એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આ ટાર્ગેટ આસાનીથી હાંસલ કરશે, પરંતુ ત્યારપછી પાંચમી ઓવરમાં 30ના કુલ સ્કોર પર જસપ્રીત બુમરાહે ડેવિડ મલાનને આઉટ કરીને ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. બુમરાહે બીજા જ બોલ પર જો રૂટને પણ આઉટ કર્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 30 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
52 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી
આ પછી મોહમ્મદ શમીએ બેન સ્ટોક્સને શૂન્ય પર આઉટ કરીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ત્યારબાદ શમીએ બેયરસ્ટોને પણ બોલ્ડ કર્યો હતો. આ રીતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 30 રન બનાવી ચુકેલા ઈંગ્લેન્ડે 39 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ આ શરૂઆતી આંચકોમાંથી બહાર નીકળી શકી નથી. શમી અને બુમરાહે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો હતો જ્યારે બાકીનું કામ કુલદીપ યાદવે કર્યું હતું. કુલદીપે 52ના કુલ સ્કોર પર જોસ બટલરને આઉટ કરીને ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં ઓલઆઉટ
અડધી ટીમ 52 રનમાં આઉટ થઈ ગયા બાદ મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોને સાવધાની પૂર્વક રમવાનું શરૂ કર્યું હતું. જોકે તેઓ લાંબો સમય ટકી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ 24મી ઓવરમાં 81ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ શમીએ મોઈન અલીને આઉટ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. આ પછી ક્રિસ વોક્સ 10, લિયામ લિવિંગસ્ટોન 27, આદિલ રાશિદ 13 અને માર્ક વુડ શૂન્ય રને આઉટ થયા હતા. આ રીતે સમગ્ર ઈંગ્લિશ ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.