• નિર્ણાયક T20 મેચમાં સાત વિકેટે ભારતનો કારમો પરાજય
  • ભારતીય ટીમ રિધમ અને ફોર્મ જાળવી શકી નહીં
  • ભારતે 35 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી

ટોચના ક્રમની ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનના કારણે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક T20 શ્રેણીમાં સાત વિકેટે કારમો પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે આ સાથે ત્રણ મેચની શ્રેણીને 2-1થી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડને પ્રથમ મેચમાં નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ભારતે બીજી મેચમાં આઠ વિકેટે વિજય મેળવીને શ્રેણી સરભર કરી હતી પરંતુ નિર્ણાયક મેચમાં ભારતીય ટીમ રિધમ અને ફોર્મ જાળવી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતે આઠ વિકેટે 122 રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડે 18.2 ઓવરમાં ત્રણ વિકેટે 126 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.


પાવરપ્લેમાં જ વિકેટો ગુમાવી

ભારતે પાવરપ્લેમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર શેફાલી વર્મા (5), મંધાના (9) અને સુકાની હરમનપ્રીત (5) આઉટ થઈ જતાં ભારતે 35 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેઘના અને હેમલતા ખાતું પણ ખોલાવી શકી નહોતી. સ્નેહ રાણા પણ પેવેલિયન પરત ફરતા ભારતનો સ્કોર છ વિકેટે બાવન રનનો થયો હતો. વિકેટકીપર રુચા ઘોષે 22 બોલમાં પાંચ બાઉન્ડ્રીની મદદથી 33 રન બનાવીને ભારતનો સ્કોર 100 સુધી પહોંચાડી દીધો હતો. દીપ્તિ શર્માએ 24 તથા પૂજા વસ્ત્રાકરે અણનમ 19 રન બનાવ્યા હતા અને આ ત્રણ જ ખેલાડી બેવડાં આંકનો સ્કોર નોંધાવી શકી હતી.


ઇંગ્લેન્ડની મજબુત બેટિંગ

ઇંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને 25 રનમાં ત્રણ તથા સારા ગ્લેને 11 રનમાં બે વિકેટ ખેરવી હતી. આસાન લક્ષ્યાંક સામે સોફિયા ડંકલેએ 44 બોલમાં 49 તથા ડેની વ્હાઇટે 22 રન બનાવીને પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગદારી નોંધાવવાની સાથે ઇંગ્લેન્ડ માટે વિજયનો પાયો નાખી દીધો હતો. એલિસ કેપ્સીએ અણનમ 38 રન બનાવીને ટીમનો શ્રેણી વિજય નિશ્ચિત કર્યો હતો.

  • Follow us on: