• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે
  • ભારતે પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા
  • ભારતીય ટીમના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવીને અણનમ છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. રોહિત શર્મા 41 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, આ પછી મધ્યમ ક્રમના બેટ્સમેનોએ દાવ સંભાળ્યો પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં અને તેમના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે.

મિડલ ઓર્ડર રહ્યો ફ્લોપ

રોહિતના આઉટ થયા બાદ શુભમન ગિલ 46 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. ફરી એકવાર તે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. શ્રેયસ ઐયરે 59 બોલમાં 27 રન બનાવ્યા હતા. ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલા રજત પાટીદારે 72 બોલમાં 32 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમના બેટ્સમેન 25થી 35 ની વચ્ચે આઉટ થયા હોય.

યશસ્વી જયસ્વાલનો બલ્લો ચાલ્યો

ઓપનર યશસ્વી જયસ્વાલના અણનમ 179 રનની મદદથી ભારતે શુક્રવારે અહીં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી છ વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. હૈદરાબાદમાં 80 રનની ઇનિંગ રમનાર જયસ્વાલે અત્યાર સુધી પોતાની અણનમ ઇનિંગમાં 17 ફોર અને 6 સિક્સર ફટકારી છે.

આ યુવા બેટ્સમેને શ્રેયસ ઐયર (27) સાથે 90 રનની ભાગીદારી કરી હતી. સ્ટમ્પ સુધી આર અશ્વિન પાંચ રન બનાવીને જયસ્વાલનો સાથ આપી રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહેમદે બે-બે વિકેટ લીધી હતી.

  • Follow us on: