- અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે એક ટેસ્ટ મેચ
- ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે
- BCCIની અફઘાનિસ્તાનને તેની મેચોની યજમાની કરવા માટે લીલી ઝંડી
જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે ત્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને મદદ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. અફઘાનિસ્તાન ઘરઆંગણે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમી રહ્યું નથી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ ભારતની ધરતી પર ન્યૂઝીલેન્ડ સાથે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે.
મેચ ગ્રેટર નોઈડામાં રમાઈ શકે છે
એક અહેવાલ અનુસાર, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી BCCI એકમાત્ર ક્રિકેટ બોર્ડ છે જે અફઘાનિસ્તાનને મદદ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાન તેની એકમાત્ર ટેસ્ટ મેચ ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમી શકે છે. આ મેચ સપ્ટેમ્બરમાં થવાની આશા છે. આ પછી ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયા સાથે ભારતમાં જ 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જેનું આયોજન ઓક્ટોબર અને નવેમ્બરમાં થઈ શકે છે.
BCCIએ અફઘાનિસ્તાનને લીલી ઝંડી આપી
અહેવાલો અનુસાર, BCCIએ અફઘાનિસ્તાનને તેની મેચોની યજમાની કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. અફઘાનિસ્તાને જુલાઈમાં જ બાંગ્લાદેશ સાથે વનડે અને ટેસ્ટ સિરીઝ રમવાની હતી પરંતુ આ સિરીઝ થઈ શકી નહીં. અત્યાર સુધી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માત્ર 9 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે અને 6 મેચ હારી છે.