- અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9થી 13 સપ્ટેમ્બર વચ્ચે ટેસ્ટ મેચ રમાશે
- ગ્રેટર નોઈડા સ્ટેડિયમમાં રમાશે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટેસ્ટ મેચ
- સ્ટાર ખેલાડી રાશિદ ખાનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી
પ્રથમ વખત અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 થી 13 સપ્ટેમ્બર વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતના ગ્રેટર નોઈડા સ્ટેડિયમમાં રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. સ્ટાર ખેલાડી રાશિદ ખાનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમની જાહેરાત કરતી વખતે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ કહ્યું કે તે આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આવતીકાલે ભારત પહોંચશે ખેલાડીઓ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે 20 સભ્યોની ટીમના નામની જાહેરાત કરી છે. બોર્ડનું કહેવું છે કે પ્રથમ મેચમાં આ ખેલાડીઓને જ તેમની ફિટનેસ અને પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મળશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 20 સભ્યોની ટીમ આવતીકાલે એટલે કે 28મી ઓગસ્ટે ગ્રેટર નોઈડા પહોંચશે. જ્યાં તમામ ખેલાડીઓ મેચ પહેલા એક સપ્તાહ સુધી કેમ્પ કરશે. આ કેમ્પમાં ખેલાડીઓની ફિટનેસ અને તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
મુખ્ય પસંદગીકારે શું કહ્યું?
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર અહેમદ શાહ સુલેમાનખેલે કહ્યું કે કેમ્પ દરમિયાન ખેલાડીઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે અને જે ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરશે તેમને અંતિમ ટીમમાં સ્થાન મળશે. તેણે એમ પણ કહ્યું કે કેટલાક યુવા ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ ટેસ્ટ મેચમાં તક મળવી તેમના માટે ગર્વની વાત છે.
રાશિદ ખાન ટીમની બહાર
અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન તાજેતરમાં ઈજાગ્રસ્ત થયો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને 3-4 અઠવાડિયાનો આરામ આપ્યો હતો. જોકે તેણે ટી20 લીગમાં મેચ રમી હતી. બોર્ડે કહ્યું કે તે હજુ સુધી લાંબા ફોર્મેટમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. આ કારણે તેની સંપૂર્ણ ફિટનેસની રાહ જોવાઈ રહી છે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મજબૂત છે અને અફઘાનિસ્તાનની ટીમ આ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અફઘાનિસ્તાનની 20 સભ્યોની ટીમ
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહીમ ઝદરાન, રિયાઝ હસન, અબ્દુલ મલિક, રહેમત શાહ, બહીર શાહ મહેબૂબ, ઈકરામ અલીખિલ(વિકેટકીપર), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), શાહિદુલ્લા કમાલ, ગુલબદ્દીન નઈબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, ઝિયાઉર રહેમાન અકબર, શમસુર રહેમાન, કૈસ અહેમદ, ઝહીર ખાન, નિજાત મસૂદ, ફરીદ અહેમદ મલિક, નાવેદ ઝદરાન, ખલીલ અહેમદ અને યામા અરબ.