ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની ધરતી પર આયોજિત થવાની છે. લાંબા સમય બાદ પાકિસ્તાનમાં ICC ટૂર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેશે. આમાંથી એક એવી ટીમ છે જેણે પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું છે. આ ટીમ બીજું કોઈ નહીં પણ અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાને છેલ્લા કેટલાક સમયથી દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.
અફઘાનિસ્તાને 3 ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમને હરાવી
જે ટીમો ODI વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ-8 (પાકિસ્તાન સહિત)માં રહી છે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન યજમાન તરીકે ક્વોલિફાય થયું છે. ODI વર્લ્ડકપ 2023માં અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી અને કુલ ચાર મેચ જીતી હતી. અફઘાનિસ્તાને ત્રણ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. શાનદાર પ્રદર્શનના કારણે અફઘાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ ICCને મોકલી દીધું છે. જેમાં અફઘાન ટીમને ગ્રુપ-બીમાં તક મળી છે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન ઉપરાંત ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે. અફઘાનિસ્તાન આ 3 ટીમો સાથે જ મેચ રમી શકે છે, કારણ કે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી
- ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
- ગ્રુપ B: ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન
ભારત અને ઓસ્ટ્રેલિયા બે-બે વખત ટાઈટલ જીત્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા બે-બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાને એક-એક ખિતાબ જીત્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે વર્ષ 2017માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાની ટીમે ફાઇનલમાં ભારતીય ટીમને હરાવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર ટીમોની યાદી
- સાઉથ આફ્રિકા- 1998
- ન્યુઝીલેન્ડ - 2000
- ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા - 2002
- વેસ્ટ ઈન્ડિઝ - 2004
- ઓસ્ટ્રેલિયા- 2006
- ઓસ્ટ્રેલિયા- 2009
- ભારત- 2013
- પાકિસ્તાન- 2017