ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. જેને લઈને BCCIએ ગઈ કાલે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ઘણા ખેલાડીઓ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે, જ્યારે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. શ્રેયસ ઐયર અને મોહમ્મદ શમીની પણ બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.


ઐયર હાલમાં દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે, આ સિવાય મોહમ્મદ શમી ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આવી સ્થિતિમાં ચાહકોને આશા હતી કે શમી આ ટેસ્ટ સિરીઝમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. પરંતુ આ થઈ શક્યું નહીં.

ઐયરનું ખરાબ ફોર્મ

શ્રેયસ ઐયરને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. જે બાદ તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી ઐયર રણજી ટ્રોફીમાં પણ રમ્યો ન હતો, જેના કારણે BCCIએ શ્રેયસને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દીધો હતો. ઐયરે IPL 2024માં પોતાની કપ્તાની હેઠળ KKRને ચેમ્પિયન બનાવ્યું હતું, પરંતુ ઐય્યર બેટિંગમાં ખાસ કરી શક્યો ન હતો.

આ પછી શ્રીલંકા સાથે રમાયેલી ODI સિરીઝ માટે ઐયરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો, આ સિરીઝમાં શ્રેયસનું બેટ શાંત રહ્યું હતું. હવે ઐયર પાસે દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો મોકો હતો, પરંતુ પ્રથમ મેચમાં ઐય્યર ખાસ કરી શક્યો ન હતો, ત્યાર બાદ હવે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

મોહમ્મદ શમી કરી શકે છે વાપસી

મોહમ્મદ શમી છેલ્લે 2023ના ODI વર્લ્ડકપમાં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી શમી ટીમ ઈન્ડિયાની બહાર છે. જો કે, હવે શમી સંપૂર્ણપણે ફિટ છે અને વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝમાં શમીની વાપસીને લઈને થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે શમીની વાપસી પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે શમીને પણ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. રિપોર્ટ અનુસાર, આ વખતે શમી રણજી ટ્રોફીની નવી સિઝનમાં બંગાળ તરફથી રમતા જોવા મળી શકે છે.

  • Follow us on: