• T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાનનો દબદબો જોવા મળ્યો
  • T20 વર્લ્ડકપ 2024માં ગુરબાઝ ટોપ સ્કોરર 
  • ફારૂકીએ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી

T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાનનો દબદબો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાને ટુર્નામેન્ટની 48મી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ટીમના બોલર અને બેટ્સમેન ફુલ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અફઘાનિસ્તાન માટે ગુરબાઝે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 49 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા. ગુરબાઝ ટૂર્નામેન્ટનો સૌથી ટોપ સ્કોરર છે, જ્યારે ફઝલહક ફારૂકીએ T20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ગુરબાઝ

T20 વર્લ્ડકપ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લાહ ગુરબાઝ હાલમાં ટોચના સ્થાને છે. અત્યાર સુધી ગુરબાઝે 6 મેચની 6 ઇનિંગ્સમાં 39.67ની એવરેજ અને 141.67ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 238 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. ગુરબાઝે અત્યાર સુધીમાં 15 ફોર અને 15 સિક્સર ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝનો વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન સૌથી વધુ રન બનાવવાની યાદીમાં બીજા સ્થાને છે. પુરને અત્યાર સુધી 6 મેચની 6 ઇનિંગ્સમાં 45.40ની એવરેજ અને 148.37ની સ્ટ્રાઇક રેટથી 227 રન બનાવ્યા છે.

વિકેટ લેવાના મામલે નંબર વન પર ફઝલહક ફારૂકી

હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અફઘાનિસ્તાનનો ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી ટોપ પર છે. ફારૂકીએ 6 મેચમાં 8.93ની શાનદાર એવરેજથી 15 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે એક વખત 5 વિકેટ પણ પોતાના નામે કરી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પા 13 વિકેટ સાથે બીજા સ્થાને અને ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ 12 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાને હરાવીને અફઘાનિસ્તાન સેમિફાઇનલની નજીક પહોંચ્યું

અફઘાનિસ્તાન સુપર-8માં અત્યાર સુધીમાં બે મેચ રમી ચુક્યું છે જેમાં તેણે 1માં જીત મેળવી છે. હવે ટીમે બાંગ્લાદેશ સામે છેલ્લી મેચ રમવાની છે. બાંગ્લાદેશ સામેની જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં સ્થાન મેળવવાની પ્રબળ દાવેદાર બની જશે.

  • Follow us on: