- પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ
- પ્રથમ 2 મેચમાં પાકિસ્તાની ટીમની થઈ જીત
- અફઘાનિસ્તાન ક્લીન સ્વીપથી બચવાનો કરશે પ્રયાસ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી 3 વનડે મેચની અંતિમ મેચ અત્યારે રમાઈ રહી છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ તેમણે કહ્યું કે, વિકેટ બેટિંગ માટે સારી લાગી રહી છે. અહીં 280થી 290નો સ્કોર બની શકે છે.
પાકિસ્તાની ટીમે કર્યા 4 ફેરફાર
પ્રથમ 2 વનડે મેચ જીતી ચૂકેલી પાકિસ્તાની ટીમ ત્રીજી વનડેમાં ચાર ફેરફાર સાથે ઉતરી છે. હેરાન કરનારી વાત એ છે કે, પાકિસ્તાનને બીજી વનડે મેચ જીતવામાં મહત્વનું યોગદાન આપનારા નસીમ શાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.
ફાસ્ટ બોલર નસીમ શાહને ટીમમાં ન મળ્યું સ્થાન
એશિયા કપની તૈયારી માટે પાકિસ્તાનની ટીમ ત્રીજી વનડેમાં 4 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. ત્રીજી વનડેમાં ફાસ્ટ બોલર નસીમ શાહ અને હારિસ રઉફ, મિડલ ઓર્ડર બેટ્સમેન ઈફ્તિખાર અહમદ અને લેગ સ્પિનર ઉસામા મીર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. આ ચારેયના બદલે ટીમમાં મિડલ ઓર્ડરના બેટ્સમેન સઉદ શકીલ, ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જૂનિયર, ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અને ફહીમ અશરફની એન્ટ્રી થઈ છે.
અફઘાનિસ્તાને કર્યા 2 ફેરફાર
સીરિઝ ગુમાવનારી અફઘાનિસ્તાનની ટીમ આજે ક્લીન સ્વીપથી બચવા માંગશે. ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાનની ટીમ 2 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. આજે પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલર ફરીદ મલિક અને ઓલરાઉન્ડર ગુલબદીન નૈબની એન્ટ્રી થઈ છે. ટોસ સમયે અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે, અમે જીત મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશું.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
અફઘાનિસ્તાન- રહમાનુલ્લાબ ગુરબાઝ(વિકેટકીપર), ઈબ્રાહિમ જાદરાન, હશમતુલ્લાહ શાહિદી(કેપ્ટન), ગુલબદીન નૈબ, રિયાઝ હસન, શાહિદુલ્લાહ કમાલ, મોહમ્મદ નબી, ફરીદ અહમદ મલિક, રાશિદ ખાન, મુઝીબ ઉર રહમાન, ફઝલહક ફારૂકી.
પાકિસ્તાન- ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન),મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઉદ શકીલ, આગા સલમાન, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન અફરીદી, મોહમ્મદ વસીમ જૂનિયર.