- હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો
- ઋતુરાજ ગાયકવાડને જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ
- શમીને પગની ઘૂંટીમાં ઈજા થઇ
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલ ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. હવે ચાહકો આશા રાખી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા 2024માં રમાનાર T20 વર્લ્ડ કપ જીતશે. પરંતુ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના 4 સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમની ઈજાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવી નથી. ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, રૂતુરાજ ગાયકવાડ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.
હાર્દિક પંડ્યા
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિકને એડીમાં ઈજા થઈ હતી, જે બાદ તે અત્યાર સુધી વાપસી કરી શક્યો નથી.
મોહમ્મદ શમી
તાજેતરમાં, ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં, મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીએ 7 મેચમાં 10.71ની શાનદાર એવરેજથી 24 વિકેટ લીધી હતી. શમીને પગની ઘૂંટીમાં ઈજા છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આ પહેલા શમીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ BCCIએ અપડેટ આપતા કહ્યું કે ઈજાના કારણે તે ટેસ્ટ સિરીઝનો ભાગ નહીં હોય.
સૂર્યકુમાર યાદવ
ODI વર્લ્ડ કપ 2023 પછી, સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ભારતની કમાન સંભાળી. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20માં ફિલ્ડિંગ કરતી વખતે તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. સૂર્યાને ગ્રેડ-2ની ઈજા થઈ હતી.જો કે, સૂર્યાની ઈજા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. આવી સ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી બની શકે છે. સૂર્યા ભારતીય T20 ટીમનો મહત્વનો ખેલાડી છે.
રૂતુરાજ ગાયકવાડ
રૂતુરાજ ગાયકવાડ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતો. શ્રેણીની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે, તેને તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ હતી, જેના પછી ગાયકવાડ બાકીના આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.