• અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો
  • ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદને તેના સસરાએ એક ભેંસ ભેટમાં આપી
  • સસરાની ગિફ્ટ પર પૂછવામાં આવેલા સવાલ પર અરશદનો ફની જવાબ

પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અરશદે 40 વર્ષ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો. જે બાદ અરશદ આખી દુનિયામાં સ્ટાર બની ગયો હતો. બીજી તરફ અરશદ પર ગિફ્ટ અને પૈસાની વર્ષા પણ થઈ રહી છે, પરંતુ અરશદને તેના સસરાએ આપેલી ગિફ્ટ સૌથી વધુ ચર્ચામાં રહે છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદના સસરાએ તેને ખાસ ભેટ આપી હતી.

સસરાની સ્પેશિયલ ગિફ્ટ પર અરશદનો ફની જવાબ

અરશદ નદીમના સસરા મુહમ્મદ નવાઝે તેને ભેંસ ભેટમાં આપી હતી. તેમની આ ભેટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જે બાદ અરશદે તેના સસરાએ આપેલી ભેંસ વિશે એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું, “મારી પત્નીએ કહ્યું કે પિતાએ ભેંસ ભેટમાં આપી છે. મેં કહ્યું કે તેઓ મને 5-6 એકર જમીન આપી શક્યા હોત. ભેંસ પણ સારી છે.” જે બાદ પત્રકાર પણ હસતો જોવા મળ્યો હતો. અરશદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અરશદ અને તેની પત્ની પણ જોવા મળે છે.


અરશદના સસરાએ શું કહ્યું?

ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદને ભેંસ ભેટમાં આપવા અંગે મુહમ્મદ નવાઝે કહ્યું કે નદીમનું ગ્રામીણ વિસ્તાર સાથે ઘણું કનેક્શન છે. ગામમાં ભેંસ ભેટમાં આપવી એ આદરણીય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે અરશદે ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ વખતે અરશદે ભારતના નીરજ ચોપરાને પણ પાછળ છોડી દીધા હતા. આ વખતે નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો.

  • Follow us on: