- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા ઘણા ફેરફારો જોવા મળશે
- BCCI સેક્રેટરીએ 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ અંગે પોતાનું મૌન તોડ્યું
- ફ્રેન્ચાઈઝી માલિકો સાથે મીટિંગ કરીને નિયમ અંગે ચર્ચા કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા ઘણા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરીએ IPLમાં છેલ્લા કેટલાક સિઝનથી અમલમાં રહેલા 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમના ભાવિ અંગે આખરે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આ નિયમના ફાયદા અને ગેરફાયદા બંને છે અને તેના પર અંતિમ નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે.
'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ વિશે BCCI સેક્રેટરીએ કહી મોટી વાત
'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ વિશે વાત કરતાં BCCI સેક્રેટરીએ તેના ગુણદોષ બંને તરફ ધ્યાન દોર્યું. તેણે સ્વીકાર્યું કે આ નિયમ ઉભરતા ઓલરાઉન્ડરોની ભૂમિકાને નબળી બનાવી શકે છે, પરંતુ તે ભારતીય ખેલાડીઓને ટીમમાં વધારાનું સ્થાન આપે છે જ્યાંથી તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકે છે.
ટુંક સમયમાં લેવાશે નિર્ણય
BCCI સેક્રેટરીએ કહ્યું કે તાજેતરમાં અમે ફ્રેન્ચાઈઝી માલિકો સાથે મીટિંગ કરી હતી, જેમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ નિયમના ફાયદા અને ગેરફાયદા બંને છે. તેનો ગેરલાભ એ છે કે તે ઓલરાઉન્ડરની ભૂમિકાને મર્યાદિત કરે છે. જો કે, આનું સકારાત્મક પાસું એ છે કે તે ભારતીય ખેલાડીને તેની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. રમતગમત સૌથી મહત્વપૂર્ણ છે અમે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશું.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમથી કોને ફાયદો થાય છે?
આ નિયમ હેઠળ ટીમોને એક વધારાનો ખેલાડી સામેલ કરવાની છૂટ છે, જે ફક્ત બેટિંગ અથવા બોલિંગ કરી શકે છે. જેના કારણે યુવા અને બિનઅનુભવી ઓલરાઉન્ડરોને રમવાની તક મળી રહી નથી. સાથે જ પંજાબ કિંગ્સ જેવી ટીમોને પણ આ નિયમનો ફાયદો થયો છે. IPL 2024માં પંજાબે આશુતોષ શર્માને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે સામેલ કર્યો, જેમણે ઘણા શાનદાર પ્રદર્શન કર્યા અને આ સિઝનનો ઉભરતો ખેલાડી સાબિત થયો.