- એશિયા કપ પહેલાં શ્રીલંકાની ટીમને ઝટકો
- શ્રીલંકાનો દિલશાન મધુશંકા ઈજાગ્રસ્ત થયો
- અગાઉ હસરંગા સહિત અનેક ખેલાડી થયા છે ઈજાગ્રસ્ત
એશિયા કપ પહેલાં શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો થયો છે. શ્રીલંકન ટીમના ઈજાગ્રસ્ત ખેલાડીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ દુશમન્થા ચમીરા અને વાનિંદૂ હસરંગા ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકા ઈજાગ્રસ્ત થયો છે. એશિયા કપ પહેલાં દિલશાનનું ઈજાગ્રસ્ત થવું એ શ્રીલંકાની ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.
દુશ્મન્થા ચમીરા, વાનિંદૂ હસરંગા, દિલશાન મધુશંકા...
દુશ્મન્થા ચમીરા, ધનુષ્કા ગુણતિલકા અને વાનિંદૂ હસરંગા ઈજાના કારણે પહેલાં જ એશિયા કપથી બહાર થઈ ગયા છે. ગત દિવસોમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દુશ્મન્થા ચમીરા અને ધનુષ્કા ગુણતિલકાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી, પરંતુ હવે દિલશાન મધુશંકા ઈજાગ્રસ્ત થયો છે.
શ્રીલંકા એશિયા કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા એશિયા કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ગત વર્ષે દાશુન શનાકાના નૈતૃત્વવાળી ટીમે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. સાથે આ વખતે શ્રીલંકા ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. એશિયા કપના મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવામાં આવશે. ભારતીય ટીમની તમામ મેચ શ્રીલંકામાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમ કેન્ડીમાં મેચ રમશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે. એશિયા કપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ વર્લ્ડકપમાં યોજાશે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.