- આજે એશિયા કપના સુપર-4 રાઉન્ડની છેલ્લી મેચ
- દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30થી મુકાબલો
- 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ યોજાશે
પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં પહોંચી ગઈ છે. આ પહેલા એશિયા કપના સુપર-4 રાઉન્ડની છેલ્લી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમનો પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર થઇ શકે છે.
11 સપ્ટેમ્બરે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ફાઈનલ
પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં પહોંચી ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા આજે એટલે કે 9 સપ્ટેમ્બરે બંને ટીમો વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ મેચના પરિણામથી બંને ટીમોને કોઈ ફરક પડશે નહીં. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર મેચનું પ્રસારણ પણ જોઈ શકશો.

બંને ટીમના ખેલાડીઓ સારા ફોર્મમાં
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ નવાઝ અને આસિફ અલી સારી બેટિંગ કરી રહ્યા છે. બોલિંગની વાત કરીએ તો નસીમ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ હસનૈન જબરદસ્ત ફોર્મમાં છે. નસીમ શાહે અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં છેલ્લી ઓવરમાં 2 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
બાબરનું ફોર્મ પાકિસ્તાન માટે સમસ્યા
ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાંથી એક એવા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અત્યાર સુધી એશિયા કપની 4 મેચમાં માત્ર 33 રન જ બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 14 છે. અફઘાનિસ્તાન સામે બાબર આઝમ શૂન્ય પર આઉટ થયો હતો.

શ્રીલંકાન ટીમ જીતની દાવેદાર
બીજી તરફ શ્રીલંકાની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. શ્રીલંકાએ એશિયા કપ ટુર્નામેન્ટમાં હાર સાથે શરૂઆત કરી હતી પરંતુ ત્યાર બાદ ટીમે પાછું વળીને જોયું નથી. ઓપનર પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે ભારત સામે શાનદાર બેટિંગ કરી હતી. ભાનુકા રાજપક્ષ અને દાસુન શનાકા પણ શાનદાર ફોર્મમાં છે. બંને બેટ્સમેનોએ ભારત સામે અંત સુધી ટકી રહીને મેચ શ્રીલંકાના કોથળામાં નાખી દીધી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ડાબોડી ફાસ્ટ બોલર દિલશાન મધુશંકા પણ જબરદસ્ત બોલિંગ કરી રહ્યો છે