• યશસ્વી જયસ્વાલે 321 બોલમાં 228 રન બનાવ્યા હતા
  • કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ શાનદાર સદી ફટકારી હતી
  • ઓપનર પૃથ્વી શૉએ 113 રનની ઇનિંગ રમી હતી

યશસ્વી જયસ્વાલની બેવડી સદી અને પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણેની સદીઓની મદદથી પશ્ચિમ ઝોને નોર્થઈસ્ટ ઝોન સામેની ચાર દિવસીય દુલીપ ટ્રોફી મેચના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 500થી વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલ 228 રન બનાવીને આઉટ થયો હતો.

યશસ્વી શાનદાર ફોર્મમાં

યશસ્વી જયસ્વાલ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. ડાબોડી બેટ્સમેન યશસ્વી હાલમાં દુલીપ ટ્રોફીમાં વેસ્ટઝોન તરફથી રમી રહ્યો છે. યશસ્વીએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં નોર્થઈસ્ટ ઝોન સામેની મેચના બીજા દિવસે શાનદાર બેવડી સદી ફટકારી હતી. યશસ્વી સિવાય ઓપેના પૃથ્વી શૉ 113 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણે 150 રન બનાવીને અણનમ રહ્યો હતો.


યશસ્વીની બેવડી સદી

યશસ્વી જયસ્વાલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની આ પ્રથમ બેવડી સદી છે. જયસ્વાલે 281 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 321 બોલમાં 228 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 22 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વીએ પૃથ્વી શૉ સાથે પ્રથમ વિકેટ માટે 206 રન જોડ્યા જ્યારે તેણે અજિંક્ય રહાણે સાથે બીજી વિકેટ માટે 333 રનની ભાગીદારી કરી.

રણજી ટ્રોફીમાં પણ સારો દેખાવ

અગાઉ, યશસ્વીનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 181 રન હતો, જે તેણે જૂન 2022માં ઉત્તર પ્રદેશ સામે મુંબઈ તરફથી રમતા બનાવ્યો હતો. અગાઉ, યશસ્વીએ રણજી ટ્રોફી 2021-22 સિઝનની ક્વાર્ટર ફાઈનલ સહિત સેમિ-ફાઇનલની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જયસ્વાલે ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી.


સદી સાથે રહાણેનું પુનરાગમન

ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહેલ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે પણ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. રહાણેએ પણ ધમાકેદાર સદી ફટકારી હતી. રહાણેએ 135 બોલમાં પોતાની સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેને આ વર્ષે ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તે પછી તે IPLમાં પાછો ફર્યો હતો. રહાણે આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો હતો. રહાણે ઈજામાંથી સાજો થઈને વાપસી કરી રહ્યો છે. તે હાલમાં વેસ્ટઝોનનો કેપ્ટન પણ છે.

પૃથ્વી શૉએ પણ સદી ફટકારી

યુવા બેટ્સમેન પૃથ્વી શોની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમ આ વખતે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. પરંતુ બેટ સાથે પૃથ્વીનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. દુલીપ ટ્રોફીની પહેલી જ મેચમાં પૃથ્વીએ 113 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપી દીધા છે. પૃથ્વીએ 121 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

  • Follow us on: