- 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
- 12 સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે મેચ
- 15 સપ્ટેમ્બરે ભારત-બાંગ્લાદેશ આમને-સામને
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી સુપર-4 મેચ રમવામાં આવશે. આ મેચ રવિવારે કોલંબોમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા ફાઈનલ પહેલાં 2 મેચ રમશે. ટીમની બીજી મેચ શ્રીલંકા અને ત્રીજી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી, ત્યારે હવે બંને ટીમ ફરી એક વખત આમને-સામને આવશે.
પાકિસ્તાનના બોલર ભારત પર ભારે પડ્યા
પાકિસ્તાનના બોલર પ્રથમ મેચમાં ભારત પર ભારે પડ્યા હતા. ટીમ ઈન્ડિયાના ટોપ 4 બેટ્સમેન જલ્દી આઉટ થયા હતા. જેથી હવે ટીમ ઈન્ડિયાને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની જરૂર રહેશે. ભારતી સુપર-4માં બીજી મેચ શ્રીલંકા વિરુદ્ધ છે. એશિયા કપ 2023માં પ્રથમ વખત ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ થશે. આ બંને ટીમ અલગ-અલગ ગ્રુપમાં હતી. જે બાદલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવશે. આ મેચ 15 સપ્ટેમ્બરે રમવામાં આવશે.
નેપાળ વિરુદ્ધ ભારતની 10 વિકેટે થઈ હતી જીત
ઉલ્લેખનીય છે કે, ભારતએ પાકિસ્તાન બાદ નેપાળ વિરુદ્ધ મેચ રમ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટે જીત થઈ હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ અણનમ 74 રન બનાવ્યા હતા. તેમણે 59 બોલનો સામનો કરીને 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. શુભમન ગિલે પણ અણનમ 67 રન બનાવ્યા હતા. શુભમને 62 બોલમાં 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પાકિસ્તાન વિરુદ્ધ આગામી મેચમાં આ બંને ખેલાડી મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
નઝમુલ શાંતોએ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવ્યા
એશિયા કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવા મામલે નઝમુલ શાંતો ટોપ પર છે. તેમણે 2 મેચમાં 193 રન બનાવ્યા છે. બાબર આઝમ બીજા નંબર પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબરે 3 મેચમાં 168 રન બનાવ્યા છે. ભારત માટે હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા છે. પાંડ્યાએ 2 મેચમાં 87 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 2 મેચમાં 85 રન બનાવ્યા છે.