- આવતીકાલે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ
- બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરો સમાન
- શ્રીલંકા મેચ જીતશે તો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટથી બહાર થશે
2023 એશિયા કપમાં સુપર-4 રાઉન્ડની મેચો શરૂ થઈ ગઈ છે, ત્યારે આવતીકાલે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. અગાઉ લીગ સ્ટેજમાં બંને ટીમો આમને-સામને હતી ત્યારે શ્રીલંકાની જીત થઈ હતી.
બાંગ્લાદેશે જીતવું જરૂરી
સુપર-4માં શ્રીલંકાની આ પ્રથમ મેચ છે, જ્યારે બાંગ્લાદેશ ટીમની આ બીજી મેચ છે. બાંગ્લાદેશને સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા સામે પણ હારશે, તો તે એશિયા કપમાંથી લગભગ બહાર થઈ જશે.
કોલંબોમાં મેચ દરમિયાન આવું રહેશે હવામાન
કોલંબોમાં 9 સપ્ટેમ્બરે એટલે મેચ દરમિયાન હવામાન ખરાબ રહેવાની આશા છે. 9 સપ્ટેમ્બરે કોલંબોમાં 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. જેથી વરસાદના કારણે મેચ શરૂ થવામાં વાર લાગી શકે છે. મેચ દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
પિચ રિપોર્ટ
આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ સ્પિનર્સને મદદરૂપ માનવામાં આવી રહી છે. જો કે, અહીં વરસાદ થવાની સંભાવના છે. જેથી શરૂઆતી ઓવર્સમાં ફાસ્ટ બોલરને મદદ મળી શકે છે. જેમ-જેમ બોલ જૂની થશે, તેમ-તેમ અહીં રન બનાવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
શ્રીલંકા-બાંગ્લાદેશમાં કોણ જીતશે?
2023 એશિયા કપના લીગ સ્ટેજમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે શાકિબ અલ હસનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા સામે પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ છતાં ટીમે પોતાની બોલિંગથી એક સમયે મેચને રોમાંચક બનાવી દીધી હતી. 9 સપ્ટેમ્બરે રમાનારી મેચમાં પણ શ્રીલંકાનો દબદબો જોવા મળી શકે છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
બાંગ્લાદેશ- મોહમ્મદ નઈમ, મેહદી હસન મેરાજ, લિટ્ટન દાસ, અનામુલ હક, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, મેહદી હસન, તસ્કીન અહેમદ, શોરિફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.
શ્રીલંકા- પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસાલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલાલેઝ, મહિશ થિક્ષાના, કસુન રાજિથા અને મથિરાના.