• બાંગ્લાદેશનો ઓપનર તંજીદ હસન ડેબ્યૂમાં ન કરી શક્યો કમાલ
  • તંજીદ ખાતું ખોલ્યા વિના આઉટ થયો
  • શ્રીલંકાના સ્પિનર મહેશ તીક્ષ્ણાએ લીધી વિકેટ

એશિયા કપ 2023માં ગ્રુપ-બીની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે બાંગ્લાદેશ ટીમે 22 વર્ષીય બેટ્સમેન તંજીદ હસનને ડેબ્યૂ કરવાની તક આપી હતી. જો કે, તેમના માટે આ ડેબ્યૂ ખુબ ખરાબ સાબિત થયું છે. તંજીદ પોતાની ઈનિંગની બીજી બોલ પર ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે.

તમીમ ઈકબાલ વિના ટીમ મેદાનમાં ઉતરી

બાંગ્લાદેશની ટીમ એશિયા કપમાં પોતાના અનુભવી ખેલાડી તમીમ ઈકબાલ વિના રમવા પહોંચી છે. જેથી ઓપનિંગમાં મોહમ્મદ નઈમ સાથે તંજીદ હસનને સામેલ કરાયો હતો. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસને પિચ અને સ્થિતિને ધ્યાનમાં રાખી ટોસ જીત્યા બાદ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ડેબ્યૂ કરનારા તંજીદને શ્રીલંકાના સ્પિનર મહેશ તીક્ષ્ણાએ LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

ડેબ્યૂમાં શૂન્ય રન કરનારો ચોથો ખેલાડી બન્યો

તંજીદ હસન હવે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એવા ચોથો ઓપનિંગ બેટ્સમેન બન્યો છે, જે ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થયો છે. આ પહેલાં વર્ષ 1986માં પાકિસ્તાન વિરુદ્ધ નિરુલ અબેદીન, વર્ષ 1998માં ભારત વિરુદ્ધ હરુનૂર રાશિદ, વર્ષ 2002માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રફીકુલ ઈસ્લામ અને હવે તંજીદ ખાન ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થયો છે.

તમીમ ઈકબાલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં કરી શકે વાપસી

બાંગ્લાદેશ ટીમના સિલેક્ટર્સે તમીમ ઈકબાલની ગેરહાજરીમાં એશિયા કપ માટે યુવા ટીમની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો. તમીમ અત્યારે ઈજાગ્રસ્ત છે. જેથી તે મેદાનથી દૂર છે અને એશિયા કપ બાદ ઘરેલૂ જમીન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનારી વનડે સીરિઝમાં તેની વાપસીની આશા સેવાઈ રહી છે. તંજીદે ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનથી બાંગ્લાદેશની ટીમમાં જગ્યા બનાવી છે. જેમાં 30 લિસ્ટ-એ ક્રિકેટ મેચમાં તંજીદની એવરેજ 40ની જોવા મળી છે.

  • Follow us on: