મોહમ્મદ રિઝવાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની સફર હાર સાથે શરૂ થઈ છે. ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમને પ્રથમ મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 4 નવેમ્બર સોમવારના રોજ રમાયેલી આ મેચમાં બન્ને તરફથી ફાસ્ટ બોલરોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ ફરક માત્ર એટલો જ હતો કે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો વિકેટ લેવાની સાથે કિફાયતી સાબિત થયા હતા.


બાબર આઝમની ફરી એન્ટ્રીથી ટીમને મળી હાર!

સાથે જ ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સ્ટાર બેટ્સમેન બાબર આઝમ પણ આ સિરીઝમાંથી પરત ફર્યો હતો. પરંતુ તે પરત ફરતાની સાથે જ પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. યોગાનુ યોગ તેને ટીમમાંથી બહાર કર્યા બાદ પાકિસ્તાને સતત 2 મેચ જીતીને ટેસ્ટ સિરીઝ પર કબજો કર્યો હતો.

સ્ટાર્ક સામે પાકિસ્તાની બેટિંગ ફેલ

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી પરંતુ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ફાસ્ટ અને ઉછાળવાળી પીચ પર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો સામે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટેસ્ટ બાદ વનડેમાં પ્રવેશેલી અબ્દુલ્લા શફીક અને સૈમ અયુબની જોડી અહીં પણ નિષ્ફળ રહી હતી. વનડેમાં ડેબ્યૂ કરી રહેલા અયુબને મિચેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્ટાર્કે પણ નેક્સ્ટ ઓવરમાં શફીકને આઉટ કર્યો હતો. ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ODI સિરીઝમાં પરત ફરેલા બાબર આઝમે આવતાની સાથે જ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા, પરંતુ તે પછી તે લેગ સ્પિનર ​​સામે ફેલ થઈ ગયો હતો અને એડમ ઝમ્પાના હાથે બોલ્ડ થયો હતો.

યુવા ફાસ્ટ બોલરે પોતાના બેટનો પાવર બતાવ્યો

પાકિસ્તાનના નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાને લાંબો સમય ક્રિઝ પર રહીને ઇનિંગ્સને નિયંત્રિત કરી હતી, પરંતુ તે પણ 44 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાને માત્ર 117 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં જ નસીમ શાહે બેટિંગથી ટીમની સ્થિતિ સુધારી હતી. યુવા ફાસ્ટ બોલરે પોતાના બેટનો પાવર બતાવ્યો અને 40 રન બનાવ્યા અને ટીમને 203 રન સુધી પહોંચાડી દીધી, જેના કારણે ટીમ ગેમમાં રહી. જ્યારે ડેબ્યુ કરનાર ઇરફાન ખાન અને શાહીન શાહ આફ્રિદીએ પણ ટૂંકી પરંતુ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 3 અને કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવ્યા બાદ પણ જીત મેળવી

ઓસ્ટ્રેલિયાની પણ શરૂઆત સારી રહી ન હતી અને ચોથી ઓવર સુધીમાં તેના બન્ને ઓપનર મેથ્યુ શોર્ટ અને જેક ફ્રેઝર-મેકગર્ક પેવેલિયન પરત ફર્યા હતા. આવા સમયે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર જોશ ઈંગ્લિશે ઇનિંગની કમાન સંભાળી હતી. બન્નેએ સાથે મળીને પાકિસ્તાના ફાસ્ટ બોલરો પર હુમલો કર્યો અને ઝડપથી રન બનાવ્યા. બન્ને વચ્ચે 85 રનની પાર્ટનરશીપ કરી હતી, જેણે ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો.

કેપ્ટન પેટ કમિન્સે ટીમને અપાવી જીત

આ સમય સુધી ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી, પરંતુ અચાનક જ હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીએ સ્મિથ-ઈંગ્લિસ સહિત ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને તબાહ કરી નાખ્યો. થોડી જ વારમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 155 રન થઈ ગયો હતો. અહીંથી કેપ્ટન પેટ કમિન્સે કમાન સંભાળી અને પછી મિચેલ સ્ટાર્ક સાથે મળીને ટીમને જીત તરફ આગળ લઈ ગયો હતો. કમિન્સ 33 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

  • Follow us on: