- ઉસ્માનના આ પગલા બાદ મીડિયામાં વિવાદ શરૂ થયો
- ICCએ તેની સામે વાંધો ઉઠાવ્યો
- ઉસ્માન ખ્વાજાએ પણ ICCને આપ્યો જવાબ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ 14 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહી છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાશે. આ મેચ માટે ઓસ્ટ્રેલાયાએ પોતાની પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે અને આ વખતે ફરી ઓપનિંગ કરવાની જવાબદારી ઉસ્માન ખ્વાજાને સોંપવામાં આવી છે. જોકે મેચ શરૂ થાય એ પહેલા જ ઉસ્માન સાથે એક વિવાદ જોડાઇ ગયો છે.
ઉસ્માનના જૂતાથી થયો વિવાદ
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચ ચાલુ થતા પહેલા ઉસ્માન મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે કેમેરા મેનની નજર તેના જૂતા પર ગઇ હતી. સામે આવેલી તસવીરોમાં દેખાઇ રહ્યું છેકે ઉસ્માન ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલી લડાઇમાં ગાઝાના પીડિતોના સમર્થનમાં નારા લખ્યા હતા. ઉસ્માને તેના જૂતા પર લખ્યું હતુ કે “તમામ લોકોની જીંદગી મહત્વની છે.” ઉસ્માનના જૂતા પર લખાયેલ આ નારો ગાઝામાં માર્યા ગયા અને હવે મરી રહેલા પીડિત બાળકો, મહિલઓ અને અન્ય નિર્દોષ લોકો માટે છે.
ઉસ્માનના આ પગલા બાદ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. એક અહેવાલ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજાના પગલાને સમર્થન આપ્યું છે, પરંતુ ICCએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે, અને કહ્યું છે કે ક્રિકેટ સિવાયના કોઈપણ પ્રકારના અંગત અભિપ્રાયને મેદાનની બહાર રાખવા જોઈએ. એક અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમોન ઓ'ડોનેલે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઉસ્માને તેના પ્લેટફોર્મ પર તેના અંગત વિચારો વ્યક્ત કરવા જોઈએ, પરંતુ જ્યારે તે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય ત્યારે તેણે તેના વિચારો વ્યક્ત કરવા જોઈએ. પોતાની વ્યક્તિગત માન્યતાઓને આગળ લાવવા અને તેને અન્યો પર લાદવાનો કોઇને અધિકાર નથી.
પહેલા પણ સપોર્ટ કરી ચૂક્યા છે ગાઝાનું સમર્થન
નોંધનીય છે કે અગાઉ પણ ઉસ્માને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ગાઝા પીડિતોનું સમર્થન કર્યું હતું, જ્યારે તે તેની ઘાયલ પુત્રીની ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યો હતો. ઉસ્માને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની પુત્રીની તસવીર શેર કરતા લખ્યું હતું કે, થોડા દિવસો પહેલા મારી પુત્રી આયેશાને બગીચામાં જંતુના ડંખથી એલર્જી થઈ હતી, ત્યારબાદ અમારે આયેશાને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી. "હું આભારી છું કે તે આ હોસ્પિટલમાં વીજળી, પાણી અને અન્ય સારવાર સહિતની તમામ સારી વ્યવસ્થાઓ મેળવી શકે છે."
તેણે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું હતું કે, "તે મારા દીલને તોડી નાખે છે અને મારા હૃદયમાં આંસુ લાવે છે કે કેટલાક બાળકો આનાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિમાં છે, અને તેઓ આ બધી સુવિધાઓ મેળવી શકતા નથી." આવી સ્થિતિમાં, જોવાનું રહેશે કે ઉસ્માન પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તે જ જૂતા પહેરીને મેદાનમાં આવે છે કે પછી તે સુત્ર પોતાના જૂતામાંથી હટાવે છે.
ઉસ્માને ICCને જવાબ આપ્યો
ઉસ્માન પોતાના જૂતા પર લખેલા આ સ્લોગન સાથે મેદાનમાં પ્રવેશ્યા બાદ ICC તેના પર ગુસ્સે થયુ હતું. ICCએ ઉસ્માનને મેદાનની બહાર આવા કોઈપણ મુદ્દા પર પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરવા કહ્યું. જે બાદ ઉસ્માન ખ્વાજાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો અપલોડ કર્યો છે અને ICCને જવાબ આપ્યો છે.
2023માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર આ બેટ્સમેને પોતાના વીડિયોમાં કહ્યું કે, હું વધારે કહીશ નહીં. મારે વધારે કહેવાની જરૂર નથી, પરંતુ હું જે કહેવા માંગુ છું તે એ છે કે દરેક વ્યક્તિએ આ પ્રશ્ન પોતાની જાતને ક્યારેક ને ક્યારેક પૂછવો જોઈએ. શું આઝાદી બધા માટે નથી? શું આપણે બધાનું જીવન સરખું નથી? ખાસ કરીને તમે કઈ જાતિ, ધર્મ, રંગ અને સંસ્કૃતિના છો તેની મને પરવા નથી.
મે જે લખ્યું તે રાજકીય નથી
તેણે કહ્યું, "મેં મારા પગરખાં પર જે લખ્યું છે તે રાજકીય નથી. હું કોઈનો પક્ષ લઈ રહ્યો નથી." મારા માટે તમામ લોકોનું જીવન સમાન છે. યહૂદીનું જીવન પણ સમાન છે, મુસ્લિમનું જીવન પણ સમાન છે, હિન્દુનું જીવન પણ સમાન છે, દરેકનું જીવન સમાન છે. "હું ફક્ત તે લોકો માટે બોલી રહ્યો છું જેમની પાસે અવાજ નથી."
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેને વધુમાં કહ્યું, "ICCએ મને કહ્યું છે કે હું મેદાન પર મારા જૂતા પહેરી શકતો નથી કારણ કે તેમને લાગે છે કે આ તેમના માર્ગદર્શિકા હેઠળ એક રાજકીય નિવેદન છે. મને એવું નથી લાગતું. આ માનવતાવાદી અપીલ છે. તેમના અભિપ્રાય અને નિર્ણયનું હુ સન્માન કરીશ, પરંતુ હું તેના માટે લડીશ, અને તેમની મંજૂરી લેવાનો પ્રયત્ન કરીશ.













