• ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું
  • ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી
  • ન્યૂઝીલેન્ડ નંબર 3 પર યથાવત્

ઓસ્ટ્રેલિયાએ ધર્મશાળામાં રમવામાં આવેલી વર્લ્ડકપ 2023ની 27મી મેચમાં ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડને રચિન રવિન્દ્રની તોફાની સદી અને જેમ્સ નીશમની ફિફ્ટી પણ જીત અપાવી શકી નથી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી, જ્યારે એડમ ઝમ્પાએ 3 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે.

રવિન્દ્રની સદી છતાં ન્યૂઝીલેન્ડની હાર

ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ માટે રવિન્દ્ર નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 89 બોલનો સામનો કરીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. રવિન્દ્રની આ સદી તેના માટે ઘણી ખાસ હતી. રવિન્દ્રની સાથે ડેરીલ મિશેલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ફિફ્ટી ફટકારી હતી. મિશેલે 51 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ડેવોન કોનવે 28 રન બનાવીને આઉટ થયો હતો અને વિલ યંગ 32 રન બનાવીને આઉટ થયો હતો. જેમ્સ નિશમે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમે 50 બોલમાં 9 વિકેટના નુકસાને 383 રન જ બનાવી શકી હતી.

વોર્નર-હેડે કર્યું તોફાની પ્રદર્શન

ધર્મશાળામાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી, જ્યારે ડેવિડ વોર્નરે 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ બંને ઓપનિંગ કરવા આવ્યા હતા અને ટીમને જોરદાર શરૂઆત અપાવીને પેવેલિયન પરત ફર્યા હતા. હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા હતા, જ્યારે વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. વોર્નરે પોતાની ઈનિંગમાં 5 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 36 રન બનાવીને આઉટ થયો હતો. જો ઇંગ્લિશે 38 રનની મહત્વની ઇનિંગ રમી હતી. સાથે કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં 37 રન બનાવ્યા હતા.

બોલ્ટ-નીશમે લીધી 3-3 વિકેટ

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે બોલ્ટે 10 ઓવરમાં 77 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સાથે જ સેન્ટનરે 10 ઓવરમાં 80 રન આપીને 2 વિકેટ અને નીશમ તથા મેટ હેનરીએ એક-એક વિકેટ લીધી હતી.

પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ

ઓસ્ટ્રેલિયન ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા પાસે 8 પોઈન્ટ છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ હાર બાદ પણ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડ પાસે પણ 8 પોઈન્ટ છે. સાથે સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ટોપ પર અને ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

  • Follow us on: