મુલતાનની પીચ પર જ્યાં પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદ અને અબ્દુલ્લા શફીકે શાનદાર ઇનિંગ્સ રમી અને પોતપોતાની સદી પૂરી કરી, તે જ જગ્યાએ પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ખરાબ રીતે ફ્લોપ થયો હતો. 100 રનની વાત તો છોડો, તે 50 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. એટલું જ નહીં, તે આઉટ થયો અને પેવેલિયન પરત ફરતા તેણે પાકિસ્તાનને નુકસાન પણ પહોંચાડ્યું હતુ.


શાન મસૂદ અને અબ્દુલ્લા શફીકે શાનદાર ઇનિંગ્સ રમી

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ આજથી મુલતાનમાં શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ઓપનર સેમ અયુબ વહેલો આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો, આ પછી કેપ્ટન શાન મસૂદ અને બીજા ઓપનર અબ્દુલ્લા શફીકે દાવ સંભાળ્યો હતો. આ બંનેએ સાથે મળીને પાકિસ્તાન માટે બીજી વિકેટ માટે 253 રનની ભાગીદારી કરી, જે પોતાનામાં એક રેકોર્ડ છે. શાન મસૂદે 151 રનની શાનદાર ઇનિંગ રમી તો અબ્દુલ્લા શફીકે પણ 102 રનની ઇનિંગ રમી હતી.

સતત બે વિકેટ પડવાના કારણે પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં

શાન મસૂદ અને અબ્દુલ્લા શફીકના આઉટ થતા જ પાકિસ્તાની ટીમ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પાકિસ્તાનની પહેલી વિકેટ માત્ર 8 રનના સ્કોર પર પડી હતી. આ પછી બીજી વિકેટ 261ના સ્કોર પર અબ્દુલ્લા શફીકના રૂપમાં પડી. અબ્દુલ્લાના આઉટ થયાના થોડા સમય બાદ જ્યારે ટીમનો સ્કોર 263 રન હતો ત્યારે શાન મસૂદ પણ આઉટ થયો હતો. હવે પૂર્વ કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર આવ્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે મોટી ઇનિંગ્સ રમીને પોતાનું ફોર્મ પણ પાછું મેળવશે, પરંતુ આવું કંઇ થઇ શક્યું નહીં.

બાબર આઝમ માત્ર 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો

બાબર આઝમ 71 બોલમાં માત્ર 30 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 5 ફોર ફટકારી હતી. જ્યારે તે ક્રિસ વોક્સના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો ત્યારે ડીઆરએસ પણ લેવામાં આવ્યું હતું, જોકે પહેલી નજરે તે આઉટ થયો હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. જ્યારે થર્ડ અમ્પાયરે જોયું તો ખબર પડી કે બાબર આઝમ આઉટ છે. આ રીતે બાબરે માત્ર આઉટ જ નહીં પરંતુ પાકિસ્તાની ટીમના ડીઆરએસને પણ બગાડ્યો હતો. દિવસની રમતના અંતે પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 328 રન બનાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે બીજા દિવસે ટીમ તેના ખાતામાં વધુ કેટલા રન ઉમેરે છે.


  • Follow us on: