- T20 વર્લ્ડકપ પહેલા બાબર આઝમ રચી શકે છે ઈતિહાસ
- T20Iમાં 4000 રન બનાવનાર બીજો બેટ્સમેન બની શકે
- T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, ટીમ ત્યાં 4 T20 મેચોની સિરીઝ રમશે. જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. T20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને આ સિરીઝને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ એ સિરીઝ છે જેના કારણે ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ IPL અધવચ્ચે છોડીને પોતાના દેશ પરત ફર્યા છે. દરમિયાન જો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની વાત કરીએ તો તેની પાસે એક મોટો રેકોર્ડ તોડવાની તક હશે,
બાબર આઝમ રચી શકે છે ઈતિહાસ
વાસ્તવમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. તેણે 117 મેચમાં 4037 રન બનાવ્યા છે. તે વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે આ ફોર્મેટમાં 4 હજાર રન બનાવ્યા છે. આ પછી બીજો નંબર આવે છે રોહિત શર્મા, જેણે 151 મેચમાં 3974 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર બાબર આઝમ છે જેણે અત્યાર સુધી 117 મેચ રમીને 3955 રન બનાવ્યા છે.
બાબર આઝમ આજે ઈંગ્લેન્ડ સામે રમશે
બાબર આઝમ આજે ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20I મેચ રમશે ત્યારે તેનો પહેલો પ્રયાસ વધુ 20 રન બનાવવા અને રોહિત શર્માને પાછળ છોડી બીજા નંબર પર પહોંચવાનો રહેશે. આ પછી તે T20Iમાં 4000 રન બનાવનાર બીજો બેટ્સમેન બનવાનો પણ પ્રયાસ કરશે. આ માટે તેને અહીંથી માત્ર 45 વધુ રનની જરૂર છે, જે તેના માટે મોટી વાત નથી.
બાબર કોહલીની ખૂબ નજીક પહોંચી શકે છે
ભારતીય ખેલાડીઓ હાલમાં T20I રમી રહ્યા નથી. તેઓ હવે સીધા T20 વર્લ્ડકપમાં જ આ ફોર્મેટમાં રમવા જશે. પરંતુ બાબર આઝમ પાસે હજુ વર્લ્ડકપ પહેલા ચાર મેચ બાકી છે. જો બાબર આઝમનું બેટ બે મેચમાં પણ કામ કરશે તો તે રોહિતને તો પાછળ છોડી શકશે પરંતુ વિરાટ કોહલીની ખૂબ નજીક આવી જશે અને 4000 રન બનાવનાર બીજો બેટ્સમેન બની જશે. એટલે કે આ સિરીઝમાં બધાની નજર બાબર પર રહેશે.