- પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સીરીઝ
- બાબર આઝમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ
- T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
આ દિવસોમાં ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ ભલે સિરીઝની ત્રીજી મેચ જીતી ગયું હોય, પરંતુ આ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જેની સાથે બાબર આઝમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચને પાછળ છોડી દીધા છે, જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ મામલે બાબરથી ઘણા પાછળ છે.
બાબર આઝમે કર્યું એક મોટું કારનામું
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે બેટિંગ કરતા 37 રન બનાવ્યા હતા. 37 રનની આ ઇનિંગ સાથે બાબર આઝમ હવે કેપ્ટન તરીકે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટ અને રોહિત આ મામલે ઘણા પાછળ છે. બાબર આઝમે હવે કેપ્ટન તરીકે T20 ક્રિકેટમાં 67 ઇનિંગ્સમાં 2246 રન બનાવ્યા છે. જ્યારે આ પહેલા આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ 76 ઇનિંગ્સમાં 2236 રન સાથે નંબર વન પર હતા.
T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન
- બાબર આઝમ (પાકિસ્તાન) - 2246 રન*
- એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) – 2236 રન
- કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 2125 રન
- રોહિત શર્મા (ભારત)- 1648 રન*
- વિરાટ કોહલી (ભારત) – 1570 રન
પાકિસ્તાનનો 7 વિકેટે પરાજય
ત્રીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે શાદાબ ખાને સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બાબરે 37 રન અને સેમ અયુબે 32 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 178 રનનો ટાર્ગેટ 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કિવી ટીમ તરફથી બેટિંગ કરતા માર્ક ચેપમેને સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી.