પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં એક દાવ અને 47 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન 3.5 વર્ષથી તે ઘરે વિજય માટે ઝંખતી હતી. હવે મુલતાનમાં તેની રાહ પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડને 152 રને હરાવીને તેણે 1348 દિવસ બાદ તેની ઘરેલું ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.


પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે આ જીત બાદ બાબર આઝમ ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેના કહેવા પ્રમાણે પાકિસ્તાનની ટીમમાં તેનું સ્થાન હજુ પણ છે. તે વર્તમાન સિરીઝ બાદ ટીમ સાથે જોડાશે.

PCB ફેરબદલ કરશે

PCBએ તાજેતરમાં નવી પસંદગી સમિતિની રચના કરી હતી. પાકિસ્તાનની શરમજનક હાર બાદ આ સમિતિની ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન બાબર આઝમ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને સરફરાઝ ખાનને ટીમમાંથી બહાર કર્યા હતા.બાસિત અલીએ દાવો કર્યો છે કે ફરી એકવાર ટીમમાં ફેરબદલ થશે અને બે મેચ બાદ બાબર આઝમ પાકિસ્તાની ટીમમાં પરત ફરશે. જ્યારે આગા સલમાન અથવા મોહમ્મદ રિઝવાનને સફેદ બોલની ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. બાબરે તાજેતરમાં જ સફેદ બોલની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે પછી કોઈ નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી નથી.

નવા ખેલાડીઓએ કમાલ કરી

પાકિસ્તાનની પસંદગી સમિતિએ બાબર આઝમની જગ્યાએ કામરાન ગુલામને તક આપી હતી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર તે 13મો પાકિસ્તાની બેટ્સમેન બન્યો. તેણે 118 રનની ઇનિંગ રમી હતી. બીજા દાવમાં તેણે 28 રન બનાવ્યા હતા. બાબરે પણ તેની સદીની પ્રશંસા કરી હતી.

પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કામરાનનો ફોટો શેર કરતા તેણે લખ્યું, કામરાન સારું રમ્યો. આ સિવાય શાહીન આફ્રિદી અને નસીમ શાહના સ્થાને આવેલા નોમાન અલી અને સાજિદ ખાને પણ પ્રભાવિત કર્યા હતા. બંનેએ સાથે મળીને ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. બંનેની ઘાતક બોલિંગના આધારે પાકિસ્તાને 1348 દિવસ બાદ બીજી ટેસ્ટ જીતી હતી.


  • Follow us on: