રોહિત શર્માની કેપ્ટન્સી અને ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી. જે બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે, ન્યુઝીલેન્ડ સામેની આ કારમી હાર બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ હવે BCCIએ ટીમ ઈન્ડિયાની હાર પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે. BCCIની આ બેઠકમાં સેક્રેટરી જય શાહ, રોજર બિન્ની સાથે કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ હાજરી આપી હતી.
આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠક મુંબઈમાં BCCI ઓફિસમાં થઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડ સામેની હાર અને આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. BCCIની આ બેઠક લગભગ 6 કલાક ચાલી હતી. જો કે આ બેઠક અંગે વધુ માહિતી બહાર આવી નથી. જોકે, પસંદગી સમિતિમાં થોડો અસંતોષ હોવાની માહિતી બહાર આવી રહી છે. ખાસ કરીને છેલ્લી ટેસ્ટ મેચમાં જે રીતે જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો તેના પર ઘણા સવાલો ઉભા થયા છે.
સૂત્રોનું કહેવું છે કે જસપ્રીત બુમરાહને મુંબઈ ટેસ્ટમાંથી બહાર રાખવા અંગે પસંદગીકારોને જાણ કરવામાં આવી ન હતી. જોકે, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સંકેત આપ્યા હતા કે બુમરાહને મુંબઈ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવશે. આ પછી, BCCI દ્વારા બુમરાહના બહાર રહેવા અંગે માહિતી આપવામાં આવી હતી કે તે વાયરલ તાવથી પીડિત છે, જેમાંથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો નથી. જે બાદ બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી હતી, જે વાનખેડેમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.
22 નવેમ્બરથી શરૂ થશે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
હવે ટીમ ઈન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ટીમને હરાવવાનો કઠોર પડકાર હશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરે રમાશે. જેના કારણે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.