- BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી એક નવી લીગ શરૂ કરશે
- જેમાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે તે ખેલાડીનો સમાવેશ કરાશે
- વિશ્વભરના ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ આ લીગમાં રમતા જોઈ શકાશે
એ દિવસ દૂર નથી જ્યારે સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, ક્રિસ ગેલ, હરભજન સિંહ અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓ ફરીથી મેદાન પર ફોર અને સિક્સર ફટકારતા જોવા મળશે. BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગની ઢબે આ દિગ્ગજ ખેલાડીઓ માટે લિજેન્ડ્સ લીગ શરૂ કરી શકે છે. વિશ્વભરના ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ આ લીગમાં રમતા જોઈ શકાશે. લીગની શરૂઆત સાથે, આ દિગ્ગજ ક્રિકેટરોના ચાહકોને ફરી એકવાર તેમના મનપસંદ ખેલાડીઓને રમતા જોવાનો મોકો મળશે. આ લીગ સંપૂર્ણપણે IPLની ઢબે રમાશે.
શું છે BCCIની યોજના
હાલમાં વિશ્વભરમાં ઘણી જગ્યાએ લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ, ગ્લોબલ લેજેન્ડ્સ લીગ અને લિજેન્ડ લીગ જેવી ટુર્નામેન્ટ આમાં લોકપ્રિય છે. ક્રિસ ગેલ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ આ લીગમાં રમતા જોવા મળે છે. હવે દેશના ઘણા પૂર્વ ક્રિકેટરોએ BCCIને ભારતમાં આવી લીગ શરૂ કરવા વિનંતી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIમાં પણ આ લીગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ લીગ IPL જેવી હશે
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCI આ લીગને IPL ઢબે આયોજિત કરવમાં આવશે. IPLમાં પૈસા, રોકાણ અને સ્ટાર પાવરના કારણે તેને વિશ્વભરની સૌથી લોકપ્રિય લીગ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, BCCI આ લીગને સમાન તર્જ પર શરૂ કરી શકે છે. આ લીગની ટીમો પણ શહેરોના આધારે ગોઠવવામાં આવશે અને ફ્રેન્ચાઇઝી પણ હરાજી દ્વારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરશે.
BCCIએ આ વાતની પુષ્ટિ કરી
રિપોર્ટ્સ અનુસાર, BCCIના એક અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'અમને આ સંબંધમાં પૂર્વ ક્રિકેટરો તરફથી પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હજુ પ્રસ્તાવના તબક્કામાં છે. આવતા વર્ષે એ વિશે વિચારી શકાય છે કે, આમાં એવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે જેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને આઈપીએલ પણ રમી રહ્યા નથી.
લીગ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની શકે છે
જો BCCI દ્વારા આવી લીગ શરૂ કરવામાં આવે તો તે પણ IPLની જેમ આખી દુનિયામાં લોકપ્રિય બની શકે છે. વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ આ લીગમાં રમવા માટે તૈયાર થઈ શકે છે. તે જ સમયે, IPLની જેમ, આ લીગમાં પણ ફ્રેન્ચાઇઝીઓ તેમની શક્તિ અને પૈસા પાણીની જેમ ખર્ચ કરશે, જેના કારણે આ લીગ વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવશે.