- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરશે
- સુરક્ષાના મુદ્દાને કારણે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાશ કરશે નહીં
- પાકિસ્તાનને વિદેશી ટીમોને સુરક્ષા પૂરી પાડવાનો સૌથી મોટો પડકાર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરશે, જ્યાં ટીમને સુરક્ષા પૂરી પાડવાનો સૌથી મોટો પડકાર હશે. સુરક્ષાના મુદ્દાને કારણે એવી સંભાવના છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય અને ભારતની મેચો શ્રીલંકા અથવા યુએઈમાં યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને માત્ર ભારત જ ચિંતિત નથી, પરંતુ હવે પાકિસ્તાનના એક પૂર્વ ખેલાડીએ પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ પૂર્વ ક્રિકેટરે સુરક્ષાના મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે.
કોણ છે આ ખેલાડી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સુરક્ષા અંગે ચેતવણી આપનાર ખેલાડી પૂર્વ ક્રિકેટર બાસિત અલી છે. બાસિત અલીએ પાકિસ્તાન માટે 19 ટેસ્ટ અને 50 વનડે મેચ રમી છે. બાસિત અલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 858 રન અને વનડે ક્રિકેટમાં 1265 રન છે. બાસિત અલી પાકિસ્તાન A ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે.
શું કહ્યું બાસિત અલીએ?
બાસિલ અલીનું કહેવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે. 1996 વર્લ્ડકપ પછી પાકિસ્તાનમાં આ પ્રથમ ICC ઇવેન્ટ હશે. 1996 ODI વર્લ્ડકપનું આયોજન ભારત અને શ્રીલંકા સાથે પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. બાસિત અલીએ વધુમાં કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોની યજમાની કરવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સિરીઝ દરમિયાન સંપૂર્ણ સુરક્ષા જાળવવી પડશે. જો આ સિરીઝમાં કોઈ ઘટના બને છે તો પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે છે. બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ નિવેદન આપ્યું છે.
ટીમોને રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા મળવી જોઈએ
બાસિત અલીએ કહ્યું કે 'ભગવાન ના કરે, જો આ પ્રવાસ દરમિયાન કોઈ ઘટના બને તો અહીં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય. બલૂચિસ્તાન અને પેશાવરમાં આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે. આવું શા માટે થઈ રહ્યું છે તેનો જવાબ સરકાર જ આપી શકે, પરંતુ તે ખોટું છે. વિદેશી ટીમોને આપણા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવી જ સુરક્ષા મળવી જોઈએ. મને ખાતરી છે કે મોહસીન નકવી આ બાબતોથી વાકેફ હશે.
શ્રીલંકાની ટીમ પર હુમલો થયો હતો
પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર 3 માર્ચ 2009ના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં શ્રીલંકાના ખેલાડીઓનો જીવ બચી ગયો હતો. ત્યારથી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ ટાળે છે. ન્યૂઝીલેન્ડની ટીમે 2021માં પાકિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલા જ સુરક્ષાના કારણોસર પ્રવાસ છોડી દીધો હતો. આ પછી ઈંગ્લેન્ડની ટીમે પણ પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.