- મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું
- એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય બની
- મનુ ભાકર હવે શૂટિંગમાંથી 3 મહિનાનો બ્રેક લેશે
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય બની હતી. મનુએ પ્રથમ વખત મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ જીત્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો.
મનુ ભાકરના બ્રેક વિશે કોચ જસપાલે આપી જાણકારી
હવે મનુ ભાકરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મનુ ભાકર ઓક્ટોબરમાં યોજાનાર શૂટિંગ વર્લ્ડ કપમાંથી બહાર રહી શકે છે કારણ કે તેણે ત્રણ મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તેના કોચ જસપાલ રાણાએ આ માહિતી આપી હતી. કોચ જસપાલે કહ્યું, 'મને ખબર નથી કે તે ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપમાં રમશે કે નહીં કારણ કે તે 3 મહિનાનો બ્રેક લઈ રહી છે.'
મનુ લાંબા સમયથી સખત મહેનત કરી રહી છે તેથી આ સામાન્ય બ્રેક છે.' 13 થી 18 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં શૂટિંગ વર્લ્ડ કપ યોજાશે. જસપાલે કહ્યું કે બ્રેક બાદ તે 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર કામ કરશે. મનુ ભાકર અને પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજ ધારક હતા.
મનુ ભાકરનું પેરિસમાં શાનદાર પ્રદર્શન
મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઇ હતી. મનુ 25 મીટર પિસ્તોલમાં ચોથા ક્રમે રહી હતી. ત્યારપછી શૂટઓફમાં મનુને હંગેરીની વેરોનિકા મેજર દ્વારા હાર મળી હતી. મનુ ભાકર પ્રથમ 8 સિરીઝ પછી 5-5 શોટની 10 સિરીઝની ફાઇનલમાં 28 પોઇન્ટ સાથે હંગેરીની વેરોનિકા મેજર સાથે સંયુક્ત ત્રીજા સ્થાને હતી. આ પછી, શૂટ-ઓફમાં, મનુ પાંચમાંથી માત્ર ત્રણ લક્ષ્યોને સાધી શકી, જ્યારે મેજરે 4 સચોટ લક્ષ્યાંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યા 2 મેડલ
પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 21-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી તે એક માત્ર એથ્લેટ હતી જેણે બહુવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. મનુએ 2023 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.
મનુ ભાકરના નામે છે આ રેકોર્ડ
મનુ ભાકર ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય છે. તે ગોલ્ડ કોસ્ટ 2018 ખાતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પણ છે, જ્યાં તેણે CWG રેકોર્ડ સાથે ટોચનો મેડલ જીત્યો હતો. મનુ ભાકર બ્યુનોસ આયર્સ 2018માં યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર અને દેશની પ્રથમ મહિલા એથ્લેટ પણ છે. તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મહિલા 25 મીટર ટીમ પિસ્તોલનો ખિતાબ જીત્યો હતો.
મનુ ભાકરની સફર
હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે તેના શાળાના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે 'થાન તા' નામની માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો હતો જેણે રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા હતા. બોક્સિંગ દરમિયાન મનુની આંખ પર ઈજા થઈ હતી, ત્યારબાદ બોક્સિંગમાં તેની સફર ખતમ થઈ ગઈ હતી. પરંતુ મનુને રમતગમત પ્રત્યે અલગ જુસ્સો હતો, જેના કારણે તે એક ઉત્તમ શૂટર બનવામાં સફળ રહી હતી.