- પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને લઇ CASમાં સુનાવણી
- ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને સસ્પેન્ડ
- ડોપિંગ સંબંધિત નિયમોના ઉલ્લંઘનને બદલ BWFએ આ નિર્ણય લીધો
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને લઇ CASમાં સુનાવણી ચાલી રહી છે. આજે વિનેશ ફોગાટ પર મોટો નિર્ણય આવવાનો છે. વિનેશ પર ચુકાદો આવે તે પહેલા આ સમાચાર ભારતીય બેડમિન્ટન ખેલાડી માટે સારા નથી. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને સસ્પેન્ડ કરી દીધો છે. પ્રમોદ દ્વારા કરવામાં આવેલા ડોપિંગ સંબંધિત નિયમોના ઉલ્લંઘનને કારણે BWFએ આ નિર્ણય લીધો છે.
પ્રમોદ ભગત 18 મહિના માટે સસ્પેન્ડ
પેરિસમાં સમર ઓલિમ્પિકના સમાપન બાદ હવે ત્યાં પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. આ ગેમ્સ 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રમોદ ભગતને મેડલની ઘણી આશા હતી. પ્રમોદ ભગતે ટોક્યોમાં યોજાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ હવે તેને ડોપિંગ કાયદાના ભંગ બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે પ્રમોદ ભગત પેરિસમાં યોજાનારી પેરાલિમ્પિક ગેમ્સમાં પોતાનું પ્રદર્શન દર્શાવી શકશે નહીં.
આ મામલામાં CASએ દોષિત કરાર આપ્યો
BWFએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ ટોક્યો પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને સસ્પેન્ડ કરી દીધો છે. તેમનું સસ્પેન્શન 18 મહિના માટે છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે CAS એટલે કે રમતગમતની આર્બિટ્રેશન કોર્ટે પ્રમોદ ભગતને 12 મહિનાની અંદર ત્રણ વખત તેનું સરનામું જાહેર ન કરવા બદલ દોષિત ઠેરવ્યા છે.