• IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે
  • BCCIએ હરાજી પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે
  • દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકશે

IPLની 18મી સિઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ વખતે તમામ ફ્રેન્ચાઇઝી આગામી સિઝન પહેલા નવા લુકમાં જોવા મળશે. BCCIએ હરાજી પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે. આ કારણોસર બોર્ડે 31 જુલાઈએ મુંબઈમાં તમામ ફ્રેન્ચાઈઝી માલિકોની સલાહ લેવા માટે બેઠક પણ યોજી હતી. જો કે બેઠક બાદ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી સિઝન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલા ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપશે અને RTM માટે વિકલ્પ હશે કે નહીં.

રીટેન્શન સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ

જ્યારે BCCIએ ફ્રેન્ચાઈઝી માલિકો સાથે બેઠક કરી ત્યારે સમાચાર બહાર આવ્યા કે મોટાભાગની ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શન રદ કરવાની તરફેણમાં હતી. જો કે, એક અહેવાલ મુજબ, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે મેગા હરાજી રદ કરવામાં આવશે નહીં. આ સિવાય દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકશે. જો કે, આ તમામ ખેલાડીઓને સીધા જ રિટેન કરવામાં આવશે કે પછી કેટલાક ખેલાડીઓને RTM કાર્ડના નિયમ હેઠળ ટીમમાં જાળવી રાખવામાં આવશે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

નોંધનીય છે કે IPLની છેલ્લી મેગા ઓક્શન 2022માં થઈ હતી અને તે સમયે રાઈટ ટુ મેચ કાર્ડનો કોઈ નિયમ નહોતો. પરંતુ આ વખતે RTM નિયમ પાછો આવી શકે છે. IPL 2022 માટે મેગા હરાજી પહેલા, ફ્રેન્ચાઇઝીને 4 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીના પર્સ મનીમાં પણ વધારો થવાનું નિશ્ચિત છે.

ફ્રેન્ચાઈઝી મીની ઓકશન હાથ ધરવાના પક્ષમાં

31 જુલાઈના રોજ યોજાયેલી મીટિંગ પછી, એવા અહેવાલો આવ્યા હતા કે KKRના સહ-માલિક શાહરૂખ ખાન પણ એવા માલિકોમાંના એક હતા જેઓ મીની ઓકશન હાથ ધરવાના પક્ષમાં હતા. તેણે પોતાની સલાહ પણ આપી. જો કે, આ કારણે, તેની અને પંજાબ કિંગ્સના સહ-માલિક વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જોકે, બાદમાં નેસ વાડિયાએ સોશિયલ મીડિયા પર આવી ખબરોને નકારી કાઢી હતી. મોટાભાગની ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શનને લઈને ચિંતિત છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

  • Follow us on: