- વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લીધી
- BCCIએ T20 ઈન્ટરનેશનલ માટે નવા કેપ્ટનની શોધ શરૂ કરી
- હાર્દિક પંડ્યાના સ્થાને અન્ય ખેલાડી બની શકે છે T20નો કેપ્ટન
રોહિત શર્માએ T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. હવે રોહિતના ગયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ T20 ઈન્ટરનેશનલ માટે નવા કેપ્ટનની શોધ શરૂ કરી છે. કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યાનું નામ સૌથી ઉપર જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાના સ્થાને અન્ય ખેલાડીને T20નો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
વર્લ્ડકપમાં હાર્દિકનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાને 2024નો T20 વર્લ્ડકપ જીતાડવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમ છતાં હાર્દિકને કેપ્ટન તરીકે જોવામાં નથી આવી રહ્યો, પરંતુ આવું કેમ? તો ચાલો જાણીએ કે હાર્દિક કેમ કેપ્ટનશિપ માટે પહેલી પસંદ નથી બની શક્યો અને તેની જગ્યાએ કયા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
હાર્દિકને ઇન્જરીની ચિંતા
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની કારકિર્દીમાં ઈજા હંમેશાથી મોટી ચિંતા રહી છે. ગંભીર ઈજાના કારણે હાર્દિક ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો છે. પંડ્યાએ ફિટનેસના કારણે ટેસ્ટ ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હતું. હાલમાં તે માત્ર ODI અને T20 ક્રિકેટ જ રમે છે. એક અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "આ એક નાજુક મામલો છે. દલીલની બંને બાજુએ ચર્ચાઓ થઈ રહી છે અને તેથી દરેક જણ એક પેજ પર નથી. હાર્દિકની ફિટનેસ એક મુદ્દો છે પરંતુ તેણે વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સૂર્યકુમાર યાદવ બની શકે છે કેપ્ટન
હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂર્યાએ 2023 ODI વર્લ્ડકપ પછી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. સૂર્યાએ શાનદાર કપ્તાની કરી હતી.
સૂત્રએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સૂર્યકુમાર યાદવની વાત છે, અમને ટીમ તરફથી પ્રતિસાદ મળ્યો કે ડ્રેસિંગ રૂમમાં તેની કેપ્ટનશીપની શૈલી સારી રીતે સ્વીકારવામાં આવી હતી. હાલમાં કેપ્ટનશિપને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આવી સ્થિતિમાં ભારતનું T20 કેપ્ટન કોણ બને છે તે જોવું રસપ્રદ રહેશે.