• શ્રીલંકા સામે ભારતીય ટીમ વનડે અને T20 સિરીઝ રમશે
  • ગૌતમ ગંભીર પણ આ સિરીઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે
  • ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિકે બ્રેકની કરી માંગ

ઝિમ્બાબ્વે સામે 4-1થી જીત બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વનડે અને T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ આ સિરીઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રવાસ પર ODI અને T20 બંને સિરીઝમાં બે નવા કેપ્ટન જોવા મળી શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે.

અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના અન્ય સ્ટાર ખેલાડીએ આ પ્રવાસમાંથી આરામ માટે કહ્યું છે, જો આવું થશે તો નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું ટેન્શન વધી શકે છે.

હાર્દિક પંડ્યાએ વનડે સિરીઝમાંથી બ્રેકની કરી માંગ

નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર નથી ઈચ્છતા કે સિનિયર ખેલાડીઓ શ્રીલંકા સાથેની વનડે સિરીઝમાંથી આરામ કરે. બીજી તરફ ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે ODI સિરીઝમાંથી આરામ લેશે. એક અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાએ BCCIને માહિતી આપતા કહ્યું કે અંગત કારણોસર તેને શ્રીલંકા સાથેની ODI સિરીઝમાંથી આરામ આપવામાં આવે. T20 વર્લ્ડ કપ 2024 પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિરાટ-રોહિતને શ્રીલંકા સિરીઝમાં અપાયો આરામ

જો કે આ બંને ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે, પરંતુ આ બંને ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કોચ ગૌતમ ગંભીરને હાર્દિક પંડ્યા પાસેથી સૌથી વધુ આશાઓ છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે, પરંતુ હવે હાર્દિકના ODI સિરીઝમાં રમવાને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.


3 મેચની હશે વનડે સિરીઝ 

ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસ પર 3 મેચની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. વનડે સિરીઝ 3જી ઓગસ્ટથી શરૂ થશે જ્યારે છેલ્લી મેચ 7મી ઓગસ્ટે રમાશે. હેડ કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમવા માટે પણ વિનંતી કરી છે. ગંભીર ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તમામ વનડે સિરીઝ રમે.


  • Follow us on: