- ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો
- 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપની ટ્રોફી પર કબજો કર્યો હતો
- BCCIએ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ
ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડકપની ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ટીમ T20 વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી અને ટાઈટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો હતો.
BCCIએ ટીમ ઈન્ડિયાને આપ્યા 125 કરોડ
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીત્યા બાદ BCCI સેક્રેટરીએ 125 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો. 125 કરોડ રૂપિયામાંથી, T20 વર્લ્ડકપ 2024 માટે 15 ખેલાડીઓની ટીમમાં સામેલ દરેક ખેલાડીને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય દરેક રિઝર્વ ખેલાડીને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ 5 કરોડ રૂપિયા મળશે. જ્યારે કોચિંગ સ્ટાફના સભ્યોને 2.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ પ્લેયર્સઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, આવેશ ખાન, ખલીલ અહેમદ
ધોનીની ટીમને ખિતાબ જીતવા બદલ 12 કરોડ રૂપિયા મળ્યા હતા
ભારતીય ટીમે પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડકપ 2007નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાની ટીમને હરાવી હતી. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2007નો ખિતાબ જીતવા માટે કુલ 12 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ટીમને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવા માટે 125 કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે, રોહિત શર્માની ટીમને ખિતાબ જીતવા બદલ ધોનીની ટીમ કરતા લગભગ 10 ગણા વધુ પૈસા મળ્યા છે. આ સિવાય ભારતીય ટીમને ટ્રોફી જીતવા બદલ ICC તરફથી 20.36 કરોડ રૂપિયા મળ્યા છે.
ODI વર્લ્ડકપ 2011 જીતનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને 2 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 50 લાખ રૂપિયા અને દરેક પસંદગીકારને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીતનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 30-30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.