- ઈંગ્લેન્ડના કેપ્ટને પાકિસ્તાની લોકોના દિલ જીતી લીધા
- બેન સ્ટોક્સ પોતાની મેચ ફી પૂર પીડિતોને દાનમાં આપશે
- સ્ટોક્સે ટ્વીટ કરી આ અંગે આપી જાણકારી
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. પાકિસ્તાન માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખાસ છે કારણ કે 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં પોતાના સ્થાન પર પહોંચી છે. આ ટેસ્ટ સિરીઝમાં કોણ વિજેતા બનશે તે તો પછી ખબર પડશે, પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને પાકિસ્તાની લોકોના દિલ જીતી લીધા છે. વાસ્તવમાં બેન સ્ટોક્સે એવો નિર્ણય લીધો છે જેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
સ્ટોક્સે ટ્વીટ કરી આપી જાણકારી
બેન સ્ટોક્સે સોમવારે જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે કોઈ મેચ ફી લેશે નહીં. સ્ટોક્સે ટ્વીટ કરીને લખ્યું કે, 'હું મારી મેચ ફી પાકિસ્તાનની પૂર સહાયમાં આ ટેસ્ટ સિરીઝ માટે આપીશ.’ બેન સ્ટોક્સે લખ્યું કે તે પહેલીવાર પાકિસ્તાન આવ્યો છે અને આ એક ઐતિહાસિક સિરીઝ છે.
બેન સ્ટોક્સે દિલ જીતી લીધું
બેન સ્ટોક્સે ટ્વીટ કરીને લખ્યું, 'ઐતિહાસિક શ્રેણી રમવા માટે પાકિસ્તાન આવવું ખૂબ જ આનંદની વાત છે. અમારી ટેસ્ટ ટીમ માટે 17 વર્ષ બાદ પાકિસ્તાન આવવું રોમાંચક છે. એ જોઈને દુઃખ થાય છે કે આ વર્ષે પૂરને કારણે પાકિસ્તાનને જબરદસ્ત નુકસાન થયું છે. આ રમતે મને જીવનમાં ઘણું બધુ આપ્યું છે અને મને લાગે છે કે ક્રિકેટથી આગળ કંઈક પાછું આપવાનો આ યોગ્ય સમય છે. હું ટેસ્ટ શ્રેણી માટે મારી આખી મેચ ફી પાકિસ્તાન ફ્લડ ફંડમાં દાન કરીશ. એવી આશા છે કે આ દાન પાકિસ્તાનમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં થોડી મદદ કરી શકશે. ,

માર્ક વુડ પ્રથમ ટેસ્ટ નહીં રમે
પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વૂડ રાવલપિંડી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે માહિતી આપી હતી કે વુડ અનફિટ છે અને તે પ્રથમ ટેસ્ટ નહીં રમે. જો કે તે શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ 9 ડિસેમ્બરે મુલ્તાનમાં રમાશે. 17 ડિસેમ્બરથી શ્રેણીની છેલ્લી મેચ રમાશે. આ મેચ કરાચીમાં રમાશે.