• ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 1 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી
  • ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વૂડ ઈજાના કારણે પહેલી ટેસ્ટ ગુમાવશે
  • વૂડ T20 વર્લ્ડકપની ઈજામાંથી સંપૂર્ણ રીતે ઠીક થયો નથી

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 ડિસેમ્બરથી 3 ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. પરંતુ, આ સીરીઝ શરૂ થાય તે પહેલા જ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આંચકો લાગ્યો છે. ઈજામાંથી સ્વસ્થ ન થવાના કારણે તેનો મુખ્ય ખેલાડી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કોચ બ્રેન્ડન મેક્કુલમે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. T20 વર્લ્ડકપ દરમિયાન ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો.


માર્ક વૂડ ઈજાના કારણે થયો બહાર

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે આવી છે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાશે. પરંતુ, ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઈંગ્લિશ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના ફાસ્ટ બોલર માર્ક વૂડને હિપ પર વાગ્યો હતો પરંતુ ઈજા હજુ ઠીક થઈ નથી અને તે રાવલપિંડીમાં રમાનાર પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં. ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન વુડને હિપમાં ઈજા થઈ હતી. આ જ કારણસર તે ભારત સામેની સેમીફાઈનલ અને પછી પાકિસ્તાન સામે વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી શક્યો ન હતો.

સ્ટુઅર્ટ બ્રોડ પાકિસ્તાન સામેની શ્રેણી ગુમાવશે

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ મેક્કુલમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'દુર્ભાગ્યવશ, માર્ક પોતાની ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી શકશે નહીં. અમને આશા છે કે તે બીજી ટેસ્ટ માટે તૈયાર હશે અને અન્યથા અમારી પાસે પસંદગી માટે સંપૂર્ણ ટીમ છે. વુડની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડ પાસે જેમ્સ એન્ડરસન, ઓલી રોબિન્સન, જેમી ઓવરટોન જેવા ઝડપી બોલરો છે. કેપ્ટન સ્ટોક્સ પોતે પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. 36 વર્ષીય સ્ટુઅર્ટ બ્રોડ હાલમાં જ પિતા બન્યો છે. આવી સ્થિતિમાં તે આ શ્રેણી માટે પાકિસ્તાન આવ્યો નથી.


2005 પછી પાકિસ્તાનમાં પ્રથમ ટેસ્ટ

વુડે અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે 26 ટેસ્ટમાં 82 વિકેટ ઝડપી છે અને તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો ભાગ છે. પાકિસ્તાનની મુલાકાત પહેલા યુએઈમાં તૈયારી કરી રહેલી ઈંગ્લિશ ટીમ સાથે તે નહોતો. તે ઈંગ્લેન્ડમાં તેની ટ્રેનિંગ પૂરી કરી રહ્યો હતો. તે આ સપ્તાહના અંતમાં પાકિસ્તાનમાં ઇંગ્લિશ ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. મુલતાન અને કરાચીમાં રમાનારી બીજી અને ત્રીજી ટેસ્ટમાં તે મેદાન પર પરત ફરી શકે છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમ 2005 પછી પાકિસ્તાનમાં પ્રથમ ટેસ્ટ રમશે. બંને દેશો વચ્ચે T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનમાં 7 T20 સિરીઝ પણ રમાઈ હતી, જે ઈંગ્લેન્ડે જીતી હતી. 

  • Follow us on: