• હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર
  • હાર્દિક બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં થયો હતો ઇજાગ્રસ્ત
  • BCCIએ હાર્દિક પંડ્યાનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંડ્યાનો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે, ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમનારી મેચમાં હાર્દિક પંડ્યા નહીં રમે.

હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નહીં રમે

બીસીસીઆઇએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા હાર્દિક પંડ્યાની વિશે માહિતી આપી હતી. બીસીસીઆઈએ પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને ડાબા પગની ઘુંટણમાં ઈજા થઈ છે. હાલમાં હાર્દિક પંડ્યા બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. હાર્દિક 20 ઓક્ટોબરે ભારતીય ટીમ સાથે ધર્મશાળા નહીં જાય. ઇંગ્લેન્ડ સામેની મેચ માટે તે સીધો લખનઉમાં જોડાશે.

હાર્દિક બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ઇજાગ્રસ્ત થયો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે પુણેમાં મેચ રમાઈ હતી. ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 256 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન હાર્દિક પંડ્યા તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી. વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિકે જમણા પગે લિટન દાસનો બોલ રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેના ડાબા પગ પર ઇજા પહોંચી હતી. હાર્દિકે ઉભો થઈને ફરી બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યો નહીં. આ પછી મેદાનમાંથી તેને બહાર થવું પડ્યું હતું. ત્યાં સુધીમાં હાર્દિકે તેની પ્રથમ ઓવરના ત્રણ બોલ ફેંક્યા હતા. બાકીના ત્રણ બોલ વિરાટ કોહલીએ ફેંક્યા હતા. તેણે છ વર્ષ પછી વનડેમાં બોલિંગ કરી હતી.

ભારતનું વર્લ્ડકપમમાં પ્રદર્શન

વર્લ્ડકપ 2023માં ભારતે સતત ચાર મેચ જીતી છે. હવે તેનો મુકાબલો 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. આ પછીની મેચ 29 ઓકટોબરે લખનૌમાં ઇંગ્લેન્ડ સામે રમાશે.


  • Follow us on: