- ભારતે 1-0થી સીરિઝ જીતી
- વરસાદના કારણે બીજી ટેસ્ટ ડ્રો
- યસસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમવામાં આવેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચ વરસાદના કારણે ડ્રો થઈ છે. બીજી ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદ આવ્યો હતો. જેના કારણે છેલ્લા દિવસની રમત થઈ શકી નહતી. આ સીરિઝ ભારત માટે ખુબ સારી રહી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસવાલ જેવા ખેલાડીઓનું ફોર્મ સારું જોવા મળ્યું હતું. ટેસ્ટમાં આ ત્રણેય ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ સીરિઝ પૂર્ણ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે.
વિરાટે સારૂં પ્રદર્શન કર્યું
બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા સમયે કોહલીએ 11 ફોરની મદદથી 121 રન કર્યા હતા. આ ઈનિંગના માધ્યમથી વિરાટે ભારત માટે ઈનિંગ સંભાળી હતી અને ટીમને 438 રન સુધી પહોંચાડી હતી. જેના પર રોહિત શર્માએ કહ્યું કે, દરેક ટીમને મુશ્કેલ સમયમાં બાજી સંભાળવા માટે વિરાટ કોહલી જેવા ખેલાડીની જરૂર પડે છે. ભારતીય ટીમમાટે પણ વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. વિરાટ કોહલીએ 4 ખેલાડી આઉટ થયા બાદ પણ સારૂં પ્રદર્શન કર્યું હતું.
કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી
સીરિઝના પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 10 ફોર અને 2 સિક્સની મદદથી 103 રનની ઈનિંગ રમી હતી. આ તેમના કરિયરની 10મી સદી હતી.
જયસ્વાલનું ડેબ્યૂ સારૂં રહ્યું
વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં યશસ્વી જયસ્વાલે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 16 ફોર અને 1 સિક્સની મદદથી 171 રન બનાવ્યા હતા. ડેબ્યૂ તરીકે આ મેચ તેમના માટે ખુબ સારી રહી છે. આ બાદ તેમણે બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. બીજી મેચમાં તેમણે 74 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 57 રન બનાવ્યા હતા. આ સીરિઝમાં તેમણે 266 રન બનાવ્યા છે.