- ટેસ્ટમાં 4 દિવસની રમત પૂર્ણ
- ભારતને સીરિઝ જીતવા 8 વિકેટની જરૂર
- વેસ્ટ ઈન્ડીઝને મેચ જીતવા 289 રનની જરૂર
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યારે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતની એકદમ નજીક છે. ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ 2 વિકેટના નુકસાને 181 રન પર ડિક્લેર કરી છે. આ દરમિયાન યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને 34 બોલમાં 152.94ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 52 રન ફટકાર્યા છે. જેમાં ઈશાન કિશને 4 ફોર અને 2 સિક્સ પણ ફટકાર્યા છે. જે બાદ ઈશાન કિશને ઋષભ પંતનો આભાર માન્યો છે.
પંતનો માન્યો આભાર
ઈશાન કિશને ચોથા દિવસનો મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું કે, અહીંયા અવ્યા પહેલાં હું નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો અને ઋષભ પંત પણ ત્યાં પોતાના રિહેબ માટે હતા. આ દરમિયાન ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટ માટે મને અનેક ટિપ્સ આપી હતી. મારે કેવી રીતે ક્રિકેટ રમવું જોઈએ એ અંગે મને પંતે જણાવ્યું હતું. જે માટે હું ઋષભ પંતનો આભારી છું. વધુમાં ઈશાન કિશને કહ્યું કે, અમે બંને એકબીજાને અંડર-19થી ઓળખીએ છીએ.
આજે રોમાંચક મેચ જોવા મળશે
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી બીજી ટેસ્ટના 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ચોથા દિવસે 365 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝ ટીમે 2 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે. હવે વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે 289 રનની જરૂર છે, જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાને સીરિઝ જીતવા માટે 8 વિકેટની જરૂર છે.