- પાકિસ્તાન કરશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની
- ભારતીય ટીમે પાકિસ્તાન પ્રવાસ માટે નથી ભરી હામી
- PCBએ ICC અને BCCIને આપી ચેતવણી
ભલે ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે જ યોજાવાની છે, પરંતુ તેની ચર્ચા અત્યારથી જ જોરમાં છે. હાલમાં વિવાદ ભારતીય ટીમની આસપાસ છે, જે યજમાન દેશ પાકિસ્તાનના પ્રવાસ માટે તૈયાર નથી. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સીમા પાર તણાવ ચાલી રહ્યો છે અને ભારતે પાકિસ્તાની ટીમ સાથે કોઈ શ્રેણી રમી નથી. બંને ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. ન્યૂયોર્કમાં T20 વર્લ્ડકપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી.
પાકિસ્તાને આપ્યું કડક નિવેદન
પાકિસ્તાનને ચિંતા છે કે ભારત પોતાની ટીમને ત્યાં મોકલવા નથી માંગતું. એવું લાગે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે તેને સહન કરતું નથી. તેણે ટીમ ઈન્ડિયાની ભાગીદારીને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ને કડક નિવેદન આપ્યું છે.
શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ICC વાર્ષિક કોન્ફરન્સમાં, PCBના વડા મોહસિન નકવીએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી પર કડક વલણ અપનાવ્યું હતું, જેની મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, BCCI વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનની યાત્રા કરવા માંગતું નથી, તેથી તે ICCને ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ આપી શકે છે. પરંતુ નકવી પીછેહઠ કરવા તૈયાર નથી, તેમણે ICCને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન લાવવાની જવાબદારી ઉઠાવવા કહ્યું છે.
ICCને ચેતવણી આપી
અહેવાલો અનુસાર, "PCB અધ્યક્ષ મોહસિન નકવીએ ICCને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. અહીં કોઈ હાઇબ્રિડ મોડલ હશે નહીં. ભારતને પાકિસ્તાન લાવવાની જવાબદારી ICCની છે, PCBની નહીં ટીમ ઈન્ડિયા છેલ્લે 2008માં પાકિસ્તાન ગઈ હતી, જ્યારે એશિયા કપમાં મહેન્દ્ર સિંહ ધોની ભારતના કેપ્ટન હતા.
હાઇબ્રિડ મોડલ સાથે યોજાયો હતો એશિયા કપ
જ્યારે ભારતે 2023 માં એશિયા કપ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ટુર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં બદલી દેવામાં આવી હતી અને શ્રીલંકાએ ભારતની મેચોની યજમાની કરી હતી. ફાઈનલ પણ શ્રીલંકામાં યોજાઈ હતી અને રોહિત શર્માની ટીમ ચેમ્પિયન બની હતી. BCCI ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન પોતાની ટીમ મોકલવા અંગે કેન્દ્ર સરકાર સાથે સલાહ લઈ શકે છે અને શું થાય છે તે જોવાનું બાકી છે.