• ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝ રમશે
  • BCCI દ્વારા સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી
  • શ્રીલંકા પ્રવાસ પર ઘણા નવા ખેલાડીઓને પણ તક આપી

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ભાગ લેનારી ભારતીય ટીમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે T20 ક્રિકેટ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે.

પસંદગી સમિતિએ શ્રીલંકા પ્રવાસ પર ઘણા નવા ખેલાડીઓને પણ તક આપી છે, જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જેના કારણે ટીમ સિલેક્શન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે એક પૂર્વ દિગ્ગજ ખેલાડી પણ આ ચર્ચામાં આવી ગયો છે.

આ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

શ્રીલંકા પ્રવાસ પર ભારતની T20 ક્રિકેટ ટીમની કમાન હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જોકે દરેકને આશા હતી કે હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે. પરંતુ સુકાની તરીકે સૂર્યકુમાર યાદવની નિમણૂકથી બધાને આશ્ચર્ય થયું છે. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કૈફે હાર્દિક પંડ્યાના સમર્થનમાં નિવેદન આપીને ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. કૈફે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય પ્રશ્નો ઉભા કરે છે, કારણ કે હાર્દિક પંડ્યાએ ભારતને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ કૈફે શું કહ્યું?

મોહમ્મદ કૈફે કહ્યું કે, 'અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હાર્દિક પંડ્યાને T20 ટીમના કેપ્ટન તરીકેના તેના અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને તેને સમર્થન આપવું જોઈએ. હાર્દિકે 2 વર્ષથી IPLમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું છે અને પહેલા જ વર્ષે તેણે ટાઇટલ પણ જીત્યું હતું. હાર્દિકને T20 ક્રિકેટમાં ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. T20 વર્લ્ડકપમાં તે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. હવે નવા કોચ આવ્યા છે, નવી યોજના હશે. સૂર્યકુમાર યાદવ પણ સારો ખેલાડી છે અને વર્ષોથી રમી રહ્યો છે. તે નંબર-1 T20 ખેલાડી પણ છે. મને આશા છે કે તે કેપ્ટનની જવાબદારી સારી રીતે નિભાવશે. પરંતુ મને લાગે છે કે પસંદગીકારોએ હાર્દિક પંડ્યાનું સમર્થન કરવું જોઈએ.

હાર્દિક કેપ્ટનશિપને લાયક હતો

કૈફે કહ્યું કે હાર્દિકે એવું કંઈ કર્યું નથી કે તેને કેપ્ટન ન બનાવવામાં આવે. હાર્દિકે 3 ODI અને 16 ઈન્ટરનેશનલ T20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેની પાસે સારો અનુભવ છે. તે કેપ્ટનશિપને લાયક હતો. તેણે ગુજરાત ટાઇટન્સ માટે નવી ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર સખત મહેનત કરી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. કૈફે ગૌતમ ગંભીરને અનુભવી કેપ્ટન અને ખેલાડી ગણાવ્યો હતો. તેણે કહ્યું કે ગૌતમ ગંભીરનો અનુભવ ટીમ માટે ઘણો ઉપયોગી થશે.

  • Follow us on: